પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી અનેક યુવાનો અને યુવતીઓ જોરદાર મહેનત કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવકે આપઘાત કરી લીધો છે. જેના કારણે લીલી સાજડિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના સરધાર નજીક લીલી સાજડીયાળી ગામે રહેતાં નિકુંજ ધીરજલાલ મકવાણા (ઉં.વ.26) એ ગઇકાલે ઝેરી દવા પી લેતા 108 ના અરવિંદભાઇ અને સંજયભાઇએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. પરંતુ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના ASI કે.વી. ગામેતી અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં યોજાઇ રહેલી પોલીસ ભરતીમાં આ વખતે લાખો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અત્યારે પોલીસ ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. એવામાં રાજકોટથી ભરતી માટે મહેનત કરી રહેલા યુવાને પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરી લીધો છે. આ કિસ્સો એવા લાખો યુવાનો માટે આંખ ઉઘાડનારો છે, જેઓ જિંદગીમાં નાસીપાત થઈને આત્મહત્યા કરવાનું પગલું ભરે છે. આ જિંદગીની પરીક્ષા નથી, તમે આ પરીક્ષામાં નાપાસ થયો છો તેનો મતલબ એવો નથી કે તમારા માટે દરેક જગ્યાએ દ્વાર બંધ થઈ ગયા છે. તમારી અર્થાંગ મહેનત અને પરિક્ષમ ક્યારેય એળે જતો નથી. તેનું આજ નહીં તો કાલે પણ ચોક્કસ ફળ મળે છે.