રાજ્યમાં કોરોનાનો કાળ લોકડાઉન સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે લોકડાઉનમાં છુટછાટ બાદ કરી રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે જુનાગઢ સોમનાથ રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કોંગ્રેસી મહિલા સભ્ય અને તેમના દીયરનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આજે બપોરના સમયે જૂનાગઢ સોમનાથ હાઇવે પર ગળદર ચોકડી નજીક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકમાં બેઠેલી મહિલા અને બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મહિલાનો મૃતદેહ તો ટાયરમાં ફસાયો હતો. જે મહામહેનતે બહાર કાઢ્યો હતો. પોલીસે હાલ તો આ મામલે ટ્રક ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક મહિલા માંગરોળ નગરપાલિકા કોંગ્રેસ સભ્ય કાંતાબેન ગોહિલ અને તેમના દિયરે દિનેશ રામજીભાઇ ગોહિલ માંગરોળ સામાજીક કામ માટે બાઇક પર બેસી માળિયા હાટી જતા હતા. તે સમયે ગળોદર ચોકડી પાસે બાઇકને અડફેટે લીધા હતા. જ્યાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.મહિલાનો મૃતદેહ ટ્રકના ટાયરમાં ફસાઇ ગયો હતો. જ્યારે ટક્કરે ફંગોળાયેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.