રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ પહેલાં પણ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો, આથી આજે પાયલ રાઠોડ અને ચાંદની મકવાણા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા.
ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાએ જણાવ્યું હતું કે કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈસા માંગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચાંદનીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા પણ જવા માટે ચાંદની સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. કિન્નરોનું એવું કહેવું હતું કે ચાંદની મકવાણા જે ટ્રાન્સજેન્ડર છે તે તેમની સાથે રહે અને કમાયને આપે, પરંતુ આ વાત જ્યારે ચાંદનીએ નકારી એને લઈને કિન્નરો દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.
એને લઇને આજરોજ ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠોડે સાથે મળીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી છે. ચાંદની મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે અવારનવાર મારી સાથે આવું કરવામાં આવે છે. અમારા લોકોને કિન્નરોએ કહ્યું હતું કે મહિનામાં તમને ગોતીને મારી નાંખીશું એવી ધમકી આપી હતી, આથી અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છીએ અને કહ્યું હતું કે આમાં અમારા લોકોની સેફ્ટી શું ? અમારી એટલી જ માંગ છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો. માર માર્યાનો બનાવ શનિવારે બન્યો હતો. કિન્નરો મને એક સોસાયટીમાં લઇ ગયા અને મને ઢોર માર માર્યો હતો. માર માર્યા પછી મારો ફોન પણ લઇ લીધો હતો. 15 થી 20 કિન્નરો હતા, જેમાં મુખ્ય રામનાથપરાની મીરાદે ઉર્ફે ફટકડી હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં મારા પરિવારે મને સ્વીકારી નહોતી. બાદમાં સ્વીકારી હતી, પણ કિન્નરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેમજ મારા ઘરમાં તોડફોડ પણ કરી હતી. અગાઉ પણ પાયલ રાઠોડ નામની ટ્રાન્સજેન્ડર વુમન પર કિન્નરોએ હુમલો કર્યો હતો.
પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પાયલ રાઠોડ પણ જોડાઇ હતી. તેણે જણાવ્યું હતું કે મારી સાથે પણ આવું જ થયું હતું. નગ્ન અવસ્થામાં મારો વીડિયો ઉતાર્યો હતો. મને માર માર્યો હતો, આથી મેં એ લોકો પર એફઆઇઆર પણ દાખલ કરી હતી. ત્યારબાદ મારી સમક્ષ તે લોકોએ માફી માગી હતી, આથી એ વખતે મેં તેમને કહ્યું હતું કે હવે રાજકોટની કોઇ ટ્રાન્સજેન્ડર સાથે આવું વર્તન કરશો નહીં.