સૌજન્ય-રાજકોટ: રાજકોટથી 10 કિલોમીટર દુર આવેલી મેટોડા જીઆઈડીસીમાં 1 હજારથી વધુ ફેકટરીઓ આવેલી છે.પણ આ ફેકટરીઓએ ઝેરી પાણીને કારણે 24 કિલોમીટરની અંદર આવેલા ખેતી અને પશુપાલન વ્યવસાયને પતાવી દીધો છે. મેટોડા જીઆઈડીસી એસો.ના સભ્યો કહે છે કે, ફેકટરીમાંથી કોઈ ગંદું પાણી નીકળતું નથી એમ કહીને પર્યાવરણની જતન કરવાની ફરજ ચૂકી ગયા છે. જ્યારે ભાસ્કર રિયાલિટી ચેકિંગમાં જાણવા મળ્યું કે મેટોડાની ફેકટરીઓમાંથી નીકળતું કેમિકલ અને ગંદા પાણી નીકળે છે અને તેના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. જેને કારણે આ પાણી ચેકડેમમાં ભેગું થાય છે.
ચેકડેેમમાં ગંદું પાણી બારેમાસ ભરાઈ રહે છે.જેને કારણે તે જમીનના તળમાં ઉતરે છે અને કૂવાના પાણીમાં ભળે છે.જેથી ખેડુતો ખેતી કરી શકતા નથી.ભાસ્કર રિયાલિટીમાં એવા અનેક ખેતરો જોવા મળ્યા કે જ્યાં કોઈ પાક જ લઈ શકાતો નથી. શાકભાજીનું ઉત્પાદન આ વિસ્તારમાં થતું જ નથી. રહેણાક વિસ્તારમાં રહેતા લોકોને પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુજરાત પ્રદુષણ નિંયત્રણ બોર્ડ અને મની મસલ્સ પાવર ધરાવતા ઉદ્યોગપતિઓની મિલિભગતના કારણે મેટોડામાં પાણી અને હવાનું પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે. તો ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. તેઓને છતે પાણીએ તરસ્યા રહેવું પડે છે અથવા તો બહારથી વેચાતું લેવું પડે છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ કમનસીબી એ છે કે, લાચાર ખેડુતની રજુઆત કોઈ ને સંભળાતી જ નથી.
પાણી વાપરી શકાય એમ નથી અને અધિકારીએ કહ્યું કે પાણી પીવાલાયક
મણીદીપ મંદિરની પાછળ ના ખેતર અને કુવામાં કેમિકલ યુકત પાણી આવે છે.75 ફુટ ઉંડો કુવો છે.એમાં પાણી છે પણ કોઈ કામનુ નથી.કેમિકલયુકત વાળુ પાણી નથી ખેતીના વપરાશમાં આવતુ કે નથી ઢોર-ઢાખર પીતા નથી.જીપીસીબીના અધિકારીઓ ચેકિંગ માટે આવે ત્યારે સેમ્પલ લઈ જાય છે.પણ હદ તો ત્યારે થઇ કે જ્યારે તેમણે એવુ કહ્યુ કે,આ પાણી પીવા લાયક છે.જો હકીકતે હોય તો તે આ પાણી પીને બતાવે. – ચંદુભાઇ પટેલ, સ્થાનિક ખેડૂત
કૂવો છલોછલ ભરેલો છે છતાં પાકને પાણી આપી શકાતું નથી
હુ છેલ્લા સાત વરસથી ખેતી સંભાળું છે. કેમિકલયુકત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા સાવ ઘટી ગઇ છે.પાક જ નથી લઈ શકાતો.જો પાક લઈએ તો પણ અધવચ્ચેથી કાઢી લેવો પડે છે જેને કારણે તે બજારમાં હાલતો નથી અને ખર્ચા નીકળતા નથી. કેમિકલયુકત પાણીનો પ્રશ્ન ઘણા વરસોનો છે. રજુઆત કરી પણ કાંઈ પરિણામ મળતુ નથી.તેથી હવે રજુઆત કરવાનું પણ બંધ કરી નાખ્યું છે.- કિશોરભાઇ વસાવા, સ્થાનિક ખેડૂત
દરરોજ ઘરે પીવા માટેનું પાણી પણ બહારથી વેચાતું લેવું પડે છે
પાણીમાં કેમિકલ ભળી જવાથી પાણી પીવાય એવુ તો રહ્યું જ નથી. રોજ બહારથી પાણી વેચાતું લેવું પડે છે.જો વેચાતું ના મળે તો દૂર દૂર સુધી પાણીનું બેડું લઈને આખો દિવસ હેરાન થવું પડે છે. જ્યારે ખેતી માટે તો ચોમાસાના પાણી પર જ આધાર રાખવો પડે છે.ચોમાસાની સિઝન જાય એટલે ખેતી બંધ થઈ જાય છે.જો આ પાણી વપરાશમાં લઈએ તો પણ ચામડીના રોગો થાય છે. પ્રદૂષિત પાણીને કારણે પાક પણ પૂરતો લેવાતો નથી.
– કિરણબેન પટેલ, સ્થાનિક મહિલા
કેમિકલયુક્ત પાણીના વપરાશથી ઘરે ઘરે ચામડીના રોગ થયા છે
રહેણાક વિસ્તારમાં પણ ચોખ્ખું પાણી આવતું નથી. જ્યાં ગટર ભરાઈ છે તેને કારણે તે પાણી બોરમાં ભરાઈ જાય છે. તેથી બોરમાં પણ આવું જ કેમિકલયુક્ત પાણી આવે છે. આ પાણી પીવાલાયક તો નથી જ અને વાપરવાલાયક પણ નથી.આવા પાણીના વપરાશ ફરજિયાત કરવો પડે છે જેથી વાળ ખરાબ થઇ જવા, આખા શરીરે ખંજવાળ આવવી જેવા અનેક ચામડીના રોગ થાય છે. આવા રોગ ઘરે ઘરે જોવા મળે છે.
– સંજય રામોલિયા, સ્થાનિક રહેવાસી
બધું જ પાણી લોધિકાના સુવાગ ડેમમાં ભેગું થાય છે
મેટોડાની આજુબાજુમાં આવેલા દરેક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતર અને કૂવામાં તો કેમિકલયુકત પાણી ભેગું થાય જ છે તો મેટોડા ગામના કૂવામાં પણ ગંદાપાણી ભર્યું છે અને સેવાળના થર જામ્યા છે. જ્યારે વરસાદ આવે અથવા તો દૂષિત પાણી વધુ પ્રમાણમાં ઠલવાય ત્યારે આ પ્રવાહ ચેકડેમ થઈને સીધો લોધિકાના રાતૈયા ગામે આવેલા સુવાગ ડેમમાં પાણી ઠલવાય જાય છે. આ ડેમ જિલ્લા પંચાયતની નાની સિંચાઈ યોજના હેઠળ આવે છે. જે હાલ તો ભરેલો છે. ઉનાળામાં ખેડૂતોને જરૂર પડ્યે આ જ ડેમમાં સિંચાઈનું પાણી અપાશે. આ કિસ્સામાં તેમની જમીનો પણ પ્રદૂષિત થઈ જશે.