રાજકોટઃ વિશ્વભરમાં 29 સપ્ટેબરને હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. હૃદયરોગ માટે જાગૃતિ ફેલાવતા આ દિવસને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પૂરતું મહત્ત્વ અપાતું નથી તેવી જ રીતે હૃદયરોગ વિશે જાગૃતિ પણ ઓછી છે. તેના કારણે જ રાજકોટ અને સૌરાષ્ટ્રના યુવાનો પર હૃદય રોગના શિકાર બનવા લાગ્યા છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. અભિષેક રાવલે સૌરાષ્ટ્રમાં હૃદય રોગ બાબતે જણાવ્યું હતું કે અહી હૃદયરોગમાં મૃત્યુના કારણોમાં ધુમ્રપાન મોખરે છે. કુલ મોતમાં 27 ટકા ધુમ્રપાન, 22 ટકા બલ્ડ પ્રેશર અને 15 ટકા ડાયાબિટીસને કારણે આવેલા હૃદયરોગના હુમલા છે.
તમાકુ આધારિત વ્યસનો સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક બાબત છે. ભારતમાં નાની ઉંમરે હૃદયરોગના બનાવોમાં વધારો થયો છે. 2000ની સાલમાં હૃદય રોગથી 13 લાખ મોત થયા હતા જે ચાલુ વર્ષે 30 લાખ છે અને ત્રીજા ભાગના એટલે કે 10 લાખ કરતા વધુ લોકોની ઉંમર 40 વર્ષ કરતા પણ ઓછી હતી.
એટેક આવ્યાના એક કલાકમાં સારવાર જરૂરી
હૃદયરોગના ચિહ્નો દેખાય તો લોકો તેને ગેસની તકલીફ કે સ્નાયુનો દુ:ખાવો માની લે છે અને બેથી ચાર કલાક બામ અને અથવા ઘરના ઉપચારો કરીને કાઢી નાખે છે. એટેક આવ્યો હોય તો પ્રથમ કલાકમાં સારવાર મળે તો જીવ બચવાની શક્યતા 90 ટકા વધી જાય છે. આ સમયને તબીબો ગોલ્ડન અવર કહેવામાં આવે છે.
હાર્ટએટેકનાં લક્ષણો જાણો
– છાતીમાં દુ:ખાવો
– છાતીમાં ખૂબ વજન હોય તેવો ભાસ
– શરીરની અંદર કશુ ભીંસાતું કે કચડાતું હોય તેવુ લાગવું
– ગભરામણ થવી, પરસેવો વળવો
– ડાબા હાથ અને ખભામાં દુ:ખાવો
– શ્વાસમાં તકલીફ, ધબકારા વધી જવા
– ઊલટી કે ઉબકા આવવા
ધુમ્રપાન બંધ કરવાથી હૃદયરોગનું જોખમ બે વર્ષમાં ઘટી જાય છે
હૃદયરોગ અટકાવવા માટે વ્યસનોથી દૂર રહેવુ જોઇએ. બે વર્ષ ધુમ્રપાન બંધ કરવાથી હૃદય રોગનું જોખમ વ્યસન ન કરનાર વ્યક્તિ જેટલું સામાન્ય થઇ જાય છે. સમતોલ અને નિયમિત ખોરાક લેવો જોઇએ અને બીપી અને ડાયાબિટીસ હોય તો તબીબની સલાહ અનુસાર દવા અને ખોરાક લેવો જોઇએ. બેઠાડુ જીવન ત્યાગીને નિયમિત કસરત કે પછી શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી હૃદયને લાભ થાય છે અને માનસિક તાણ ઘટે છે….સૌજન્ય