સૌજન્ય-રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચરસ-ગાંજા સહિતના નશીલા પદાર્થનું ધૂમ વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયા બાદ પોલીસે એજ વિસ્તારમાંથી અફીણના ડોડવાના વેચાણ કરતા શખ્સને
ઝડપી લઇ તેને બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.
જંગલેશ્વરના રાધાકૃષ્ણનગરમાં રહેતો સંજય મોકા હુંબલ (ઉ.વ.30) અફીણના ડોડવા વેચતો હોવાની હકીકત મળતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધાખડા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સંજયના મકાનની તલાશી લેતાં મકાનમાંથી 1.477 કિલોગ્રામ પોશ ડોડાનો રૂ.5170ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અફીણના ડોડવા તેમજ રોકડા રૂ.1780 તથા મોબાઇલ સહિત કુલ રૂ.27250નો મુદ્દામાલ જપ્ત કરી સંજય હુંબલની ધરપકડ કરી હતી.
આ મામલાની તપાસ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયાને સોંપવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સંજય હુંબલને બે દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ વાહન ચોરીમાં થોરાળા પોલીસ ચોપડે ચડી ચૂકેલા સંજયે છ મહિનાથી અફીણના ડોડવા તેમજ તેના પાઉડરની પડીકી બનાવી વેચવાનું શરૂ કર્યું હતું અને જૂનાગઢનો શખ્સ તેને જથ્થો આપી જતો હતો. પોલીસે જૂનાગઢના શખ્સની શોધખોળ શરૂ કરી હતી.
રાજકોટ-જંગલેશ્વર માદક પદાર્થનો અડ્ડો, 1.47 કિલો અફીણના ડોડવા સાથે એક શખ્સ ઝડપાયો..
Advertisement