લોકોમાં તૃણ ધાન્ય પ્રત્યે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૨૩ ની આંતરરાષ્ટ્રીય મિલેટ (તૃણ) ધાન્ય વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે “international millet year” અંતર્ગત મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કૃષિ વૈજ્ઞાનિકો ડો.વી.ડી.વોરા, ડો.તાજપરા તથા ડો.કાબરીયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તથા તૃણ ધાન્યોથી થતાં ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ વગેરે વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
મિલેટ મેળામાં ખાસ મીલેટના બિયારણ તથા છોડનું નિદર્શન તથા મિલેટમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગાયના ગૌમૂત્ર અર્કમાંથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવાણુ કે જેને “ગૌ કૃપા અમૃતમ બેકટેરિયા” કહેવામાં આવે છે,તેનું નિશુલ્ક વિતરણ કરી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા, માજી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ કોરાટ, રમેશભાઈ ડામોર તથા નાયબ ખેતી નિયામક એસ.ડી.વાદી, અમલીકરણ અધિકારી એ.એલ.સોજીત્રા, મદદનીશ ખેત નિયામક એન.જી.રામોલીયા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.