રાજકોટમાં ડેન્ગ્યૂ જીવલેણ બન્યો છે ડેન્ગ્યૂના કારણે રાજકોટમાં એક બાળકીનું મોત થયું છે. 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. આ પરિવાર રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલા મયુરનગરમાં રહેતો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.મૃત્યુ પામનારી 4 વર્ષની એકની એક પુત્રીની આંખોનું દાન કરતા રાજકોટમાં સૌથી નાની બાળકીના ચક્ષુદાનનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા બાળકીના પિતાએ આ નિર્ણય લઈ એક વ્યક્તિના જીવનમાં રોશની ફેલાવી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના ભાવનગર રોડ પર મયૂરનગર શેરીમાં રહેતા બદરખિયા પરિવારની પુત્રી રિયાને ગત સોમવારે અચાનક તાવ આવતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવતા મજૂરી કામ કરતા પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. રિયાના કાઉન્ટ વધારે માત્રામાં ઘટી જતા સિવિલ હોસ્પિટલના તબીબે તેમને આઇસીયુમાં દાખલ કરી ઓક્સિજનના બાટલા ચડાવવા સહિતની સારવાર કરી હતી. પરંતુ સારવાર દરમિયાન રિયાનું મોત નિપજ્યું હતું.
મૃતક રિયાના પરિવારજનોએ કહ્યું હતું કે,રિયાને તાવ આવતા સામાન્ય ડોક્ટર પાસે દવા લીધી હતી બાદમાં તબિયત પણ સુધરી ગઈ હતી. પરંતુ ગત મંગળવારે તબિયત ફરી બગડતાં એ જ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ અમને ગુંદાવાડીમાં ડોક્ટર પાસે લઈ જવા કહ્યું હતું. ત્યાં લઈ જતા ફરી રિપોર્ટ કર્યો અને ત્યાંથી ડોક્ટરે સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરોએ તાત્કાલિક સારવાર કરી હતી. પરંતુ વધુ તબિયત બગડતા આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં આંચકી ઊપડતા વધુ તબિયત બગડી હતી બાદમાં તેનું નિધન થયું હતું.