વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટર પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ તકે પી.ડી.યુ. કોલેજનાં ડીન ડો. એમ. જે. સામાણી, ડો. મહેન્દ્ર ચાવડા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ₹ ડો. તેજસ કરમટા, મિત્તલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.