રાજકોટ માટે આજે ભુતો ન ભવિષ્યની ઘડી સર્જાઈ છે. હિરાસર અર્થાત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સના ૭૩૭ બોઈંગનું પ્રથમ વખત લેન્ડીંગ કરવામાં આવતા ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટનું ભવ્ય ઉદઘાટન થાય તે પૂર્વે આજથી એરફોર્સના હવાલે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે.
બન્ને એરપોર્ટ પર વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓનો ધમધમાટ પુરબહારમાં ચાલી રહ્યો છે. ગઈકાલે વડાપ્રધાનની ગાડીઓને લઈ એરક્રાફટ આવ્યું હતું. ત્યારબાદ સ્પેશ્યલ પ્રોટેકશનની ટુકડીઓ અને સુરક્ષા જવાનોનું આગમન થઈ ગયું છે અને તેમને એરપોર્ટ પર પોતાનો મોરચો માંડી દીધો છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એરફોર્સનું બિઝનેસ બોઈંગ જેટ સફળતાપુર્વક લેન્ડ કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આજથી લઈ ગુરૂવાર સુધી નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ એરફોર્સની સુરક્ષામાં રહેશે. વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને એવિએશન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું પણ આગમન થઈ રહ્યું છે. જેમાં ગઈકાલે રીજીનીયલ એકઝીકયુટીવ ડીરેકટર વેસ્ટર્ન રીઝનલ જે.ટી.રાધાક્રિષ્ના, સીઆઈએસએફના ડીજી નિતુ સિંઘ સહિત એવિએશન બોર્ડના મેમ્બર્સનું આગમન થઈ ચુકયું છે. હવે સીઆઈએસએફના ડીઆઈજી અને ત્યારબાદ એરપોર્ટ ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ આ બે દિવસમાં આવી જશે. આ ઉપરાંત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૯૨ જેટલા સીઆઈએસએફના જવાનો જેમને હીરાસર પોસ્ટીંગ આવ્યું છે તે તમામ જવાનો નવા એરપોર્ટ પર તૈનાત થઈ ગયા છે. આજે સિકયુરીટીને લઈને એએસઆરની મીટીંગ મળવાની છે.