રાજકોટ શહેર ટ્રાફિક પોલીસનાં બે કર્મચારીઓ વોર્ડન સાથે મળીને ભાગબટાઇ કરતા હોવાના CCTV સામે આવ્યા હતા. આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકનો હોવાનું અને ટ્રાફિક કોન્સ્ટેબલ ઉમેદ ગઢવી તેમજ મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયા ગુનેગાર હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નર દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડની કાર્યવાહીથી તોડજોડિયા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગે ટ્રાફિક ACP જે. બી. ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. આ બનાવ ગંભીર હોવાથી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને DCP પૂજા યાદવ દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કસૂરવાર હોવાનું સામે આવતા હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ ગઢવી અને મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ ટ્રાફિક વોર્ડન અંગે ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક વોર્ડને માત્ર ટ્રાફિક નિયમન જ કરવાનું હોય છે. કોઈપણ પ્રકારનો દંડ વસુલવાની સત્તા ટ્રાફિક વોર્ડનને નથી અને અવારનવાર પબ્લિક ડિલિંગ માટેની તાલીમ પણ તેઓને આપવામાં આવે છે