રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન ગુરુકુળમાં ધો. 10 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી સ્ટેજ પર અચાનક બેભાન થતા ઢળી પડ્યો હતો, જે બાદ તેણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાએ ગુરુકુળમાં સૌને હચમચાવી દીધા છે. જ્યારે વિદ્યાર્થીના પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી હતી.
રાજકોટના રીબડામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂળ ધોરાજીનો દેવાંશ ભાયાણી ધો. 10 માં અભ્યાસ કરતો હતો. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુકુળમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવાંશ સ્પીચ આપવાનો હતો. જોકે આ પહેલા સ્ટેજ પર મિત્રો સાથે પોડિયમ ઉપાડતી વેળાએ તે અચાનક બેભાન થયો હતો અને પડ્યો હતો. આથી તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા દેવાંશનું મોત નીપજ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી હૃદયની બીમારી હોઈ શકે છે. દરમિયાન કામ કરતી વખતે તેના હૃદય વધુ ભારવાળું થઈ જતા તેનું મૃત્યું થયાનું હાલમાં સામે આવ્યું છે. જોકે, પીએમ રિપોર્ટ પછી જ સાચી હકીકત જાણી શકાશે. આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી ગુરુકુળ સહિત તેના પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. દેવાંશના પિતા ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે. દેવાંશ તેમનો એકનો એક દીકરો હતો.