રાજકોટ જિલ્લામાં હોટેલ પાસે પંપ મૂકી બાયો ડીઝલનો વેપાર થતો હોવાની ફરીયાદો ઉઠી હતી. જેના આધારે રાજકોટનાં પડધરી પાસે SMC દ્વારા પૂરવઠા વિભાગને સાથે રાખી મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં લાખોની કિંમતનું બાયોડીઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે જ ટેન્કર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીને લઈને સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગઈકાલે મોડી રાત્રે પડધરી ખાતે અન્નપૂર્ણા આટા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો પૂરવઠા વિભાગને સાથે રાખી ત્રાટકી હતી અને રૂ. 14,18,400ની કિંમતનો કુલ 19,700 લીટર બાયોડીઝલનો જથ્થો અને કુલ રૂ. 1,28,600ની રોકડ, 18 લાખ રૂપિયાનાં બે ટેન્કર, રૂ. 22 લાખની કિંમતના 2 ટ્રક, રૂ. 11 લાખની બે ફોર વ્હિલ કાર ઉપરાંત 8 મોબાઈલ ફોન, જનરેટર સહિત કુલ રૂ. 67,92,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી ભરાવવા આવનાર મીનેશભાઈ રામણિકભાઈ મેંદપરા, ક્લીનર શાહરુખ અજિતભાઈ સકિયા, મુખ્ય આરોપીનાં નોકર નરેન્દ્રસિંહ બાલુસિંગ પવાર, મુખ્ય આરોપી વિક્રમસિંહ ગણુભા જાડેજા, તેના ભાગીદાર રવિ પ્રવીણભાઈ વિરડા અને મુખ્ય આરોપીના અન્ય નોકર લલિતસિંહ પવાર સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે જ્વલનશીલ પ્રવાહી મોકલનાર લાલભાઈ આહીર, ટેન્કરનાં ડ્રાઈવર બસીરભાઈ તેમજ બાયોડીઝલ કટિંગ માટે જગ્યા ભાડે આપનાર બાબુભાઇ સોનીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.