રાજકોટ જિલ્લાના જેતપુરમાં શુક્રવારે સાંજે ચાલવા નીકળેલ મહિલાના ગળામાંથી સોનાના ચેનને ઝૂંટવી ચીલઝડપના ગુનામાં રાજકોટ ગ્રામ્ય LCB પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.24 માર્ચને શુક્રવારના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ જેતપુરના શાંતીનગર સોસાયટીમા ચાલવા નિકળેલા એક મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા ઇસમોએ સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જે બાદ અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે કપીલ ઉર્ફે ટીનો નીમાવત તથા ધોરાજીવાળો તેના સાગરીતો સાથે વિરપુરથી જેતપુર સિટી તરફ આવવાનો છે. જેથી જેતપુર ધારેશ્વર વિસ્તારમાં જેતપુરમાં પ્રવેશ કરતા રસ્તે વોચ ગોઠવી કપીલ ઉર્ફે ટીનો દયારામ નીમાવત તથા તેના બે સાગરીત રસિક પરમાર અને અજય પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક બાઇકમાં ત્રણ સવારી બેસી આવતા આરોપીઓને પકડી અંગ ઝડતી લઇ તપાસ કરતા તેના પાસેથી એક સોનાની ચેઇન મળી આવેલી જે અંગે આધાર પુરાવા માંગતા આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગેલ અને તેઓની આગવી ઢબે પુછપરછ કરતા આ ચેઇન ગઇ 24 માર્ચના રોજ સાંજના મહીલાના ગળામાંથી ઝુંટવીને લઇ ગયેલ હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ચેન, મોટરસાઇકલ અને રોકડ રકમ મળી કુલ 1.12 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.