રાજકોટમાં છાશવારે ઝડપાતા ડ્રગ્સ પરથી તેનું સેવન કરનારાઓની સંખ્યા પણ વધી રહી હોવાનું સ્પષ્ટ બન્યું છે. બંધાણીઓ જુદી-જુદી રીતે નશો કરે છે, જેમાં કફ-સિરપનો પણ સમાવેશ થાય છે. શહેરના રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક શેરી નં. ૭ નજીક આવેલા એક મકાનમાં ગઇકાલે એસઓજીએ દરોડો પાડી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી કોડીનયુક્ત ૨૩ લાખની કિંમતની કફ-સિરપની બોટલો કબ્જે કરી મિતેશપરી રાજેશપરી ગોસાઇ (ઉ.વ.૨૯, રહે. શિતલ પાર્ક, હિંમતનગર શેરી નં. ૫, ૧૫૦ ફૂટ રીંગ રોડ)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે તેના બનેવી સમીર પ્રકાશગીરી ગોસ્વામી (રહે. આદિપુર, ગાંધીધામ, કચ્છ)નું નામ ખુલતા તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે
એસઓજીના પીઆઈ જે.ડી. ઝાલા અને એએસઆઈ ધર્મેશભાઈ ખેરે મળેલી ચોક્કસ બાતમીના આધારે અમૃત પાર્ક શેરી નં. 7 માં આવેલા એક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી જુદી-જુદી બ્રાન્ડની કોડીનયુક્ત કફ-સિરપની 13,338 બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે અંદાજે 23 લાખ આંકી હતી. તે સાથે જ મિતેશપરીની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે જ્યાંથી કફ-સિરપનો જથ્થો મળ્યો છે તે મકાન તેના બનેવી સમીરે ત્રણેક માસ પહેલા રૂા. ૪ હજાર લેખે ભાડે રાખ્યુ હતું. મકાન માલિક ઉપરના માળે રહે છે. નીચાના માળે આવેલો રૂમ સમીરે ભાડે રાખી તેમાં હિમાચલ પ્રદેશથી મંગાવેલી કોડીનયુક્ત કફ-સિરપનો જથ્થો રાખ્યો હતો. એટલું જ નહીં સમીરની સૂચના મુજબ મિતેશપરી આ સિરપનો જથ્થો ગ્રાહકોને પહોંચાડતો હતો. પોલીસને એવી પણ માહિતી મળી છે કે મવડી મેઇન રોડ પર કોપર આર્કેડમાં સમીરે અપેક્ષા મેટ્રીક્સ નામની પેઢી શરૂ કરી હતી. પત્ની અપેક્ષાના નામે તેણે આ પેઢી શરૂ કરી હતી. આ પેઢીના નામથી તેણે હિમાચલ પ્રદેશથી કફ-સિરપનો જથ્થો મંગાવ્યો હતો. જો કે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ જ્યારે નિયમ મુજબ આ પેઢીએ તપાસ કરવા ગયા ત્યારે કાંઇ મળ્યું ન હતું. સમીરના સાસરિયા પક્ષના સભ્યો જ્યાંથી કફ-સિરપનો જથ્થો મળ્યો તેની નજીકના વિસ્તારમાં જ રહે છે. એસઓજીએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરાવી મુખ્ય સૂત્રધાર સમીરની શોધખોળ કરી છે. તે ઝડપાયા બાદ આ કારસ્તાન અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.