રાજકોટમાં ૨૦૧૨ ની સાલમાં રૂા. છ હજારની લાંચ લેતા પકડાયેલા સુરતના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવા, કિશન દીવાનજી ગામીત અને અનેશ કાન્તીભાઈ ચૌધરીને ખાસ અદાલતના જજ બી.બી.જાદવે તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદ સજા ફરમાવી હતી.
આ કેસની વિગત એવી છે કે રાજકોટમાં પ્રોહિબિશનના ગુનામા પકડાયેલા આરોપી મહેન્દ્રસિંહ ઝાલાની પાસા તળે અટકાયત કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટની કોર્ટમાં સુરત પોલીસની જાપ્તા પાર્ટીના ત્રણેય આરોપી કોન્સ્ટેબલો સાથે મુદ્દતે લાવવામાં આવ્યો હતો. તે વખતે આરોપી મહેન્દ્રસિંહના મિત્ર અમિત દવેએ તેને મળવા માટે આરોપી કોન્સ્ટેબલોને વાત કરી હતી.
જેથી કોર્ટ કમ્પાઉન્ડમાં મળવા દેવા માટે આરોપી કોન્સ્ટેબલોએ રૂા.૧૦ હજારની લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂા. છ હજારમાં નક્કી થયું હતું. જે અંગે એસીબીને જાણ કરાતા તેના અધિકારીઓએ ટ્રેપ ગોઠવી કોન્સ્ટેબલ બાબુ વસાવાને અમિત દવે પાસેથી પંચોની હાજરીમાં રૂા. છ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
આ કેસ પર ચાલવા પર આવતા બગાવ પક્ષે એવી તકરાર લેવામાં આવી હતી કે ફરિયાદીએ આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈને મળી સીધા જ તેના હાથમાં રૂા. છ હજાર પકડાવી દીધા હતા. આ રીતે ફરિયાદીએ જે રકમ લાંચ પેટે આપી હોવાનું જણાવાયું છે તે રકમની ત્રણેય આરોપી કોન્સ્ટેબલોમાંથી કોઈએ માંગણી કરી નથી.
જેની સામે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ એવી રજુઆત કરી હતી કે ફરિયાદ મુજબ રૂા.ત્રણ હજાર આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈએ પોતાના માટે અને રૂા.૧પ૦૦-૧પ૦૦ અન્યે બે સાથી કોન્સ્ટેબલો માટે માંગ્યા હતા. જેમાં નિષ્પક્ષ સાહેદ તરીકે પંચ-૧ વિનોદ મકવાણા હાજર હતા જેની હાજરીમાં આરોપી કોન્સ્ટેબલ બાબુભાઈએ અગાઉની લાંચની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.
ત્યારબાદ ફરિયાદીએ રાજીખુશી બતાવી લાંચની રકમ આપી હતી. નિષ્પક્ષ સાહેદની જુબાની ન માનવા માટે કોઈ જ કારણ નથી. ટ્રેપ પુરી થઈ ગયા બાદ ત્રણમાંથી એક પણ આરોપી કોન્સ્ટેબલે લાંચની રકમ માંગણી વીના ફરિયાદીએ તેમને પકડાવી દીધાની કોઈ પણ ઉચ્ચ અધિકારી સમક્ષ રજુઆત કરી નથી. ત્યારે આ પ્રકારનો બચાઉ કેસની ટ્રાયલ દરમ્યાન ઉલટ તપાસમાં પ્રથમવાર લેવામાં આવે તો તે ઉભો કરેલ બચાવ હોવાનું કાયદાકીય અનુમાન થાય, જેથી આ પ્રકારના બચાવને અમાન્ય ગણી ત્રણેય આરોપી કોન્સ્ટેબલોને તકસીરવાન ઠરાવવા જોઈએ