રાજકોટમાં ગણતંત્ર દિવસ નિમિત્તે 251 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે બાલભવનથી રામનાથપરા સુધી તિરંગામય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું બાલભવનના મુખ્ય ગેટ પાસેથી યાત્રાનું પ્રસ્થાન થયું. એ વિવિધ વિસ્તારોમાં ફરી રામનાથપરા ખાતે સમાપન થયું હતું. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો ફલોટ, શહીદ કુટીર તથા 251 ફુટ લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભારત માતાનું કુમકુમ, ફૂલ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક ભવ્ય “રાષ્ટ્ર ગૌરવ યાત્રા” આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વાતંત્ર્ય સેનાનીઓનાં જીવંત પાત્રો પણ જોવા મળ્યાં હતાં. યાત્રાની પૂર્ણાહુતિ બાદ સમૂહ ધ્વજવંદન, સમૂહ રાષ્ટ્રગાન, શહીદોને સમૂહ શ્રદ્ધાંજલિ તેમજ ભારત માતા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાનાં આકર્ષણો 251 ફૂટનો રાષ્ટ્રધ્વજ, દેશ માટે વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે વિશેષ ફલોટ્સ બનાવવામાં આવ્યા, અસંખ્ય બાઈકસવારો તિરંગા સાથે જોડાયા હતા.
ફ્રીડમ ફાઈટરનાં જીવંત પાત્રો, જેવા કે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી, ઝાંસી કી રાની, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ બનીને ભૂલકાં તેમજ યુવાઓ આવ્યાં હતાં, જ્યાં પૂર્ણાહુતિ સ્થાન પર આર્મી ઓફિસર દ્વારા પ્રથમ ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ યાત્રા બાદ સમૂહમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું, સ્ટેજ પર સમૂહમાં લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલા જુવાનોને પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી.નોંધનીય છે કે 5 મહિના પહેલાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિ.મી. દૂરથી પણ દેખાતો હતો.