રાજકોટ શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં આધેડને લગ્નની લાલચ આપી તેમનું અપહરણ કરી બળજબરીથી 55,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અને પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાને અંજામ આપનાર બે યુવતિ સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ ફરિયાદી સાથે સંપર્ક થયાનાં થોડા મહિનાઓ બાદ આરોપી સોનલે લગ્નની લાલચ આપી હતી અને પૂર્વ આયોજીત કાવતરૂ કરી સોનલ પટેલ તેની સાથે આરોપી જાનકીને ફરિયાદીના ઘરે લગ્ન સબંધ કરાવવા બહાને છોકરી તરીકે બતાવવા લઇ ગઈ હતી. જ્યાં ફરિયાદી તથા જાનકી બેઠા-બેઠા વાતો કરતા હતા. ત્યારે જીતુદાન ઉર્ફે ભુરો તથા ચીરાગ ઉર્ફે લાલો આવી પહોંચ્યા હતા. અને બન્નેના મોબાઇલ ફોનમાં ફોટા પાડી ફરીયાદીને માર મારીને હોન્ડા સીટી કારમાં તેમનું અપહરણ કર્યું હતું.
ત્યારબાદ આરોપીઓએ જાનથી મારવાની ધમકીઓ આપી ફરિયાદીનાં કોટક મહીન્દ્રા બેન્કના ATM માંથી રૂ.50 હજાર બળજબરીથી કઢાવી તથા ઘરે લઇ જઇ વધુ 5 હજાર સહિત કુલ રૂ. 55 હજાર પડાવી લીધા હતા. એટલું જ નહીં વધુ રૂ.45 હજાર 2 દિવસમાં નહી આપે તો જાનકી સાથે પાડેલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સોનલ ભંડેરી, જાનકી ઉપરા અને જીતુદાન ઉર્ફે ભૂરો જેસાણીની ધરપકડ કરી લેવામાં આવી છે.
હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપી ચિરાગ ઉર્ફે લાલો ભરવાડની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 55,000 રોકડ તેમજ મોબાઈલ સહીત કુલ 1.60 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓ પૈકી જાનકી તેમજ જીતુ અગાઉ પણ રાજકોટ પોલીસમાં અલગ અલગ ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુકયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.