કુવાડવા રોડ પર અવાર નવાર વિદેશી દારુનો જંગી જથ્થો પકડવામાં આવે છે. ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસે દારુ અંગે દરોડા પાડી રુા.89 લાખની કિંમતના 30,538 બોટલ વિદેશી દારુ સાથે હરિયાણા અને રાજસ્થાનના શખ્સોની ધરપકડ કરી બે ટ્રક તેમજ વિદેશી દારુ મળી રુ.1.14 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજકોટમાં વારંવાર પાડતા શહેર પોલીસ હરકતમાં આવીને ઠેર ઠેર દારુ અંગે દરોડા પાડવાનો દોર શરુ કર્યો છે. ગાંધીગ્રામ, બી ડિવિઝન અને તાલુકા પોલીસે પણ વિદેશી દારુ અંગે કાર્યવાહી કરી બુટલેગરોની ધરપકડ કરી છે. રાજકોટમાં એક જ દિવસમાં કુલ રૂ.91 લાખનો વિદેશી દારુ પકડયો છે. રૂ.1.7 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસને વિદેશી દારુના ત્રણ ટ્રક આવ્યાની બાતમી હતી પરંતુ વિદેશી દારુ સાથે બે ટ્રક પકડયા છે. ત્યારે એક ટ્રક સ્ટેટ મોનિટરીંગ સેલ અન્ે એરપોર્ટ પોલીસની નજર ચુકવી કંઇ રીતે પસાર થઇ ગયો તે અંગે સવાલો થઇ રહ્યા છે. ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો રાજકોટ પોલીસનો ઘાટ સર્જાયો છે. જેમાં શહેર પોલીસની મોટી ફોજ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડાનો દૌર ચાલુ રાખ્યો છે. જેમાં એક સપ્તાહ પૂર્વે નવાગામમાં દારૂ બનાવવાની ફેકટરી ઝડપ્યા બાદ આજે બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂનુ કટીંગ થાય તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાં પશુદાણમાં છુપાવેલો 21,418 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી ટ્રક અને દારૂ મળી રૂા.60.75 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મોકલનાર સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.