ચોટીલા, નાની મોલડી અને થાનગઢ પોલીસ મથકમાં જુદા જુદા દરોડા દરમિયાન રૂ. 58 લાખથી વધુનો દારૂ પકડાયો હતો. આથી વિદેશી દારૂ બીયરનાં જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ. લીંબડી ડીવીઝનના થાનગઢ, ચોટીલા તથા નાની મોલડી પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટે લગત કોર્ટ ખાતેથી મંજુરી મેળવી નશાબંધી આબકારી વિભાગ અને અધિકારીઓની હાજરીમાં ઝરીયા મહાદેવના મંદિર નજીકનાં ખરાબામાં અલગ અલગ ગુનામાં પકડાયેલો ભારતીય બનાવટનાં પરપ્રાંતિય વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
ત્રણેય પોલીસ મથકનાં 116 ગુનામાં ઝડપાયેલી બોટલ નંગ 19625 તેમજ બીયર નંગ 5671 કુલ રૂ. 58,41,138નાં મુદ્દામાલની ઉપર લોડર ફેરવી નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થળ ઉપર લીંબડી ડીવાયએસપી ચેતન મુંધવા, પીઆઈ જે. જે. જાડેજા, કે. બી. વિહોલ, પીએસઆઈ વાય. એસ. ચુડાસમા, ચોટીલા નાયબ કલેકટર ગળચર સહિતનાં સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે કુલ ૫૮.૪૧ લાખના મુદ્દામાલનો નાશ કરાયો હતો.