રાજકોટમાં ગઈકાલે અજીબ ઘટના બની હતી જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ કબ્જે કરાયેલા ટુ – વ્હીલર કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ થઈ હતી જેમાં આ આગની લપેટમાં 18 જેટલા ટુ વ્હીલર આવી જતા તે બળીને ખાક થયા હતા. બનાવની જાણ ફાયબ્રિગેડની ટીમને કરતા સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વિગતો મુજબ ગઈકાલ સાંજના સવા પાંચ વાગ્યાની આસપાસ ભક્તિનગર પોલીસ મથકમાં મુદ્દામાલ જપ્ત કરાયેલા ટુ વ્હીલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને બનાવની જાણ થતાં ભકિતનગરના પોલીસ સ્ટાફે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરતા તેનો સ્ટાફ એક ફાયર ફાઈટર સાથે સ્થળ પર દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી થોડી વારમાં જ આગ કાબુમાં લઈ લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં 4 એકટીવા 1 સ્કૂટી, 2 સીબીઝેડ, 1 અપાચે, 1 સાઈન અને 9 સ્પ્લેન્ડર મળી 18 વાહનો સળગી ગયા હતા. સ્થળ પર અંદાજે 70 થી વધુ વાહનો પડયા હતા જો કે આગ લાગવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. ભકિતનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી અને આગ કયા કારણથી લાગી તે બાબતે તપાસ શરૂ કરી છે.