સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પાદરમા હરીધામ સોસાયટી સામે હાઇવે ઉપર બંધ પડેલી ટ્રક પાછળ તુફાન ગાડી ઘુસી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક વૃધ્ધા અને પુરૂષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય 4 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનો મકવાણા પરિવાર તેમના પરીજનો સાથે દ્વારકા જવા તુફાન ગાડીમાં નિકળ્યા હતા. અને ચોટીલા હાઇવે ઉપર પહોચતા હરિધામ સોસાયટી નજીક હાઇવે ઉપર બંધ પડેલી ટ્રક પાછળ ધડાકાભેર તુફાન ઘુસી જતા અકસ્માત સર્જાતા ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. આ તુફાનમાં બેઠેલા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતો અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા અમદાવાદનાં રહીશ અંજલીબેન સુમનભાઇ મકવાણા, લક્ષમીબેન મહેશભાઇ ગોહિલ, ખુશાલ સુમનભાઇ મકવાણા, નારંગીબેન સોલંકી, ભરતભાઇ ભાનુભાઈ કડીયા, સુમનભાઇ પંકજભાઇ મકવાણા સહિતનાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેઓને પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં જાણવા મળ્યા મુજબ આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સુમનભાઇ મકવાણા ( ઉ.વ.56 )નું ચોટીલા ખાતે તેમજ નારંગીબેન સોલંકી ( ઉ.વ.82 )નું રાજકોટ ખાતે મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતની ઘટના બાદ હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો. અને અકસ્માતગ્રસ્ત વાહન સાઇડમાં કરાવી વાહન વ્યવહાર પુર્વરત કરાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.