વિશાલ મિસ્ત્રી, રાજપીપળા
2019 લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ એ બાદ ભાજપના નેતાઓએ ટિકિટ મેળવવા માટે પોતપોતાનું લોબિંગ ચાલુ કર્યુ હતું.ભરૂચ લોકસભા બેઠક માટે પણ વર્તમાન ભાજપ સાંસદ મનસુખ વસાવા,ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગરના ચેરમેન તથા સહકારી આગેવાન એવા ઘનશ્યામ પટેલ,ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ સભ્ય સ્વ.ચંદુભાઈ દેશમુખની પુત્રી અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.દર્શનાબેન દેશમુખે ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.
ભરૂચ બેઠક માટે ભાજપે ટિકીટ જાહેર કરી એ પેહલા આ ત્રણેવ વચ્ચે ટિકિટ મેળવવા બાબતે તીવ્ર હરીફાઈ થઈ હતી.પરંતુ શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર કર્યું એમા ભરૂચ બેઠક માટે સતત 6ઠ્ઠી વાર મનસુખ વસાવાને રિપીટ કરતા સસ્પેન્સનો અંત આવ્યો હતો.મનસુખ વસાવાનું નામ જાહેર થયું એના બીજે જ દિવસે સવારે દૂધધારા ડેરી અને ધારીખેડા સુગરના ચેરમેન તથા સહકારી આગેવાન એવા ઘનશ્યામ પટેલ પોતાના ટેકેદારો સાથે રાજપીપળા સ્થિત મનસુખ વસાવાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને મનસુખ વસાવાને હાર તોરા પહેરાવી વધાવી લીધા હતા.આ કિસ્સા પરથી એ બાબત સાબિત થાય છે કે રાજનીતિમાં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું અને મિત્ર પણ નથી હોતું.