રાજપીપળા:
વીજ કંપનીના અધિકારીઓ ખોટી રીતે વીજ જોડાણો કાપી નાખતા હોવાથી નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં નુકશાન જાય છે,ઘરનું મુખ્ય વ્યક્તિ હાજર ન હોવા છતાં ઘરના અન્ય વ્યક્તિઓ સાથે ગેરવર્તણૂક કરી વીજ કંપનીના અધિકારીઓ પૈસા વસુલે છે.નર્મદા જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ.
નર્મદા જિલ્લાના મોટે ભાગના લોકો ખેતી પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે.ત્યારે સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાઓનો નર્મદા જિલ્લાના ખેડૂતો લાભ ન લઈ શકતા હોવાની ફરિયાદ લઈને ખેડૂતો નર્મદા જિલ્લાના સહકારી આગેવાન સુનિલ પટેલ પાસે લઈને પહોંચ્યા હતા.ત્યારે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક અને ગુજકોમાશોલ ના ડિરેકટર સુનિલ પટેલની આગેવાનીમાં જિલ્લાના 20 થી વધુ સરપંચો અને આઈ.સી.પટેલ,હરનિશ ભાઈ પટેલ,સુનિલ પટેલ(વરખડ),જતીન પટેલ,નિલેશ પટેલ,જગદીશ ભાઇ પટેલ,કિરીટ પટેલ (ભદામ),પ્રશાંત પટેલ (નાવરા)મણિલાલ વસાવા,પાર્થ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો પોતાના વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા અને જિલ્લા કલેકટર આર.એન.પટેલને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી
ખેડૂત આગેવાનોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે સરકારની તાર-ફેનસિંગ યોજનાનો લાભ મેળવી શકતા નથી.જેને લીધે ખેતરોમા નિલ ગાય,ભૂંડ સહિતના અન્ય પ્રાણીઓ ખેતરમાં ઘુસી જાય છે અને અમારા શેરડી, કેળા,તુવેર,કપાસ જેવા પાકોને મોટું નુકસાન પહોંચે છે.વધુમાં એગ્રીકલચર લાઈટ 8-10 કલાકની જ હોય છે,બાકીના સમયમાં અંધારું હોવાથી રાત્રી દરમિયાન કેબલ ચોરી,ટીસી ચોરી સહિત ભૂંડોનો ત્રાસ વધી ગયો છે.વીજ કંપની દ્વારા નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના એગ્રીકલચર અને ઘર વપરાશનું વીજ બિલ બાકી હોય તો નોટિસ આપ્યા વિના વીજ જોડાણો કાપી નખાય છે,જેને લીધે અમને ખેતીમાં મોટું નુકશાન થાય છે.ઘરનું મુખ્ય વ્યક્તિ હાજર ન હોવા છતાં ઘરના અન્ય વ્યક્તિઓ સાથે ગેરવર્તણૂક કરી વીજ કંપનીના કર્મચારીઓ પૈસા વસુલે છે.