(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ખૂટતા નર્મદા ડેમની સપાટી 115.71 મીટર પર પહોંચી છે.જેથી સરકારે ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોના ઉભા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.કેનાલો પણ સુખી ભટ્ટ પડવા માંડતા ખેડૂતોના ઉગેલા પાકને જીવંત રાખવા ખેડૂતો હજુ આટલો મહિનો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે.
રાજ્ય સરકારે નર્મદા કેનાલમાંથી સિંચાઈ કરતા ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવા માટે નિર્ણય કરતા રાજ્યભરના 14.5 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે ખેડૂતોને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગત સીઝનમાં નર્મદા ડેમમાં ફેબ્રુઆરીથી જ પાણી ખૂટી ગયા હતા બાદમાં 15 માર્ચ સુધી પાણી અપાયું હતું.જો કે આ સીઝનમાં નર્મદા ડેમમાં પાણીની સપાટી 115.71 મીટર છે અને 605 mcm પાણી સંગ્રહાયેલું છે,તેમ છતાં પણ સરકારના નિર્ણયથી ખેડૂતો નારાજ થયા છે.હાલ કપાસ,બાજરી અને ઘાસચારાનું વાવેતર ખેતરમાં ઉભું છે,ત્યારે જો હજી 2 વાર પાણીની જરૂરીયાત છે ત્યારે સરકારે આગોતરી જાણ કર્યા વિના જ નિર્ણય કરી નાખતા ખેતરમાં રહેલ ઉભો પાક સુકાવાનો ભય ફેલાયો છે.ફેબ્રુઆરી 2018માં જ ડેમમાં પાણીની સપાટી 110.64 મીટરથી નીચે ગઈ હતી અને લાઈવ સ્ટોકનો જથ્થો પૂર્ણ થતાં પાણી કાપ થયો હતો.જો કે ડેમમાં આ વર્ષે હજી 605 mcm લાઈવ સ્ટોક પાણીનો જથ્થો હોવા છતાં પણ પાણી કેનાલમાં બંધ કરાતા ભારે આક્રોશ જોવા મળ્યો છે.
સરકારના તઘલઘી નિર્ણય બાદ ખેડુતોમાં ભારે રોષ સાથે ઘેરા પ્રત્યાઘાત પડયા છે.જેથી ખેડુતો પણ માંગ કરી રહ્યા છે કે શિયાળુ પાકમાં હજુ એક પાણીની જરૂર છે.ત્યારે હવે ખેડુતોએ પણ આંદોલનનું રણશિંગુ ફૂંકે તો નવાઈ નહીં.હાલ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં 2400 હેક્ટર જમીન બિન પિયત છે જે ખેડૂતો નર્મદા કેનલના પાણી થકી ખેતી કરી જીવન ગુજારે છે.ગત વર્ષે સરકાર દ્વારા 15 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપ્યું હતું જેને ધ્યાને લઈ ખેડૂતોએ જુવાર,મકાઈ અને પશુઓ માટે ઘા-બાજરુ વાવી દીધું અને સરકારે જાણ કર્યા વિના પાણી બંધ કરી દેતા ખેડૂતો હવે પાક બગડી જવાની ભીતિથી ચિંતિત બન્યા છે.નર્મદા બંધની કેનાલ માંથી હવે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.હાલ જે 13,741 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું જે ઘટાડીને 9000ક્યુસેક કરી દેવાયું અને આગામી 4 થી 5 દિવસોમાં 6 હજાર સુધી કરી દેવામાં આવશે.