રાજપીપળા ખાતે પૌરાણિક હરસિદ્ધિ માતાનું મંદિર આવેલુ છે,જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે.ઉપરાંત નર્મદા જિલ્લામા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યા ખુબ વધી રહી છે.જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વકરી છે ત્યારે આ મંદિર પરિસરની આસપાસના દુકાનદારો દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.જેમાં મંદિરની સામે ખુલ્લી જગ્યામા ઉભા રહેતા લારી ગલ્લા વાળાઓને ત્યાથી હટાવવા માંગ કરાઈ છે.
આવેદનમા જણાવવામા આવ્યું છે કે નર્મદા જિલ્લામા હાલ પુષ્કળ પ્રમાણમા પ્રવાસીઓ આવતા હોય છે. તેમજ અતિ પૌરાણિક હરસિદ્ધિ માતાના મંદિરની પ્રવાસીઓ મુલાકાત લે છે અને મુખ્ય દ્વારની સામેજ ખુલ્લી જગ્યામા વાહનો પાર્ક કરે છે ત્યા આ લારી ગલ્લા વાળાઓ ઉભા રહેતા હૉવાથી પાર્કિંગની સમસ્યા રહે છે.ઉપરાંત મુખ્યમાર્ગ પસાર થતો હૉવાથી ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હોય છે.જેથી આ લારી ગલ્લા વાળાઓને વૈકલ્પિક સ્થાને ખસેડવા રજુઆત કરાઈ છે.અગાઉ રજુઆત કરવા છતા કોઇ નિરાકરણ ન આવ્યું હોવાની પણ આવેદનમા વાત કરાઈ છે.