(વિશાલ મિસ્ત્રી રાજપીપળા ):
સમગ્ર ગુજરાતની 162 નગરપાલિકાઓ માંથી રાજપીપળા નગર પાલિકા પેહલી એવી નગર પાલિકા બની કે જેણે સફાઈ કામદારોને સ્વચ્છતા સૈનિકનું નામકરણ કરવા સર્વાનુમતે નક્કી કર્યું.રાજપીપળા પાલિકાના વાલ્મિકી સમાજના કર્મચારીઓની ત્રણ દિવસની હડતાલ બાદ પાલિકા તંત્રએ એમની માંગણીઓ સાંભળી,તેમની માંગણીઓ માટે સરકારમાં રજુઆત કરવા બાંહેધરી આપી.
રાજપીપળા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળને ત્રીજો દિવસ થયા બાદ રાજપીપળા પાલિકા પ્રમુખ જિગીષા ભટ્ટ,કારોબારી ચેરમેન અલ્કેશભાઈ ગોહિલે સફાઈ કામદારો સાથે એક બેઠક કરી તેમની યોગ્ય માંગણીઓ બાબતે બોર્ડમાં એક ઠરાવ કરી કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડવા બાંહેધરી આપી હતી.ત્યારે વાલ્મિકી સમાજના પ્રમુખ કમલ ચૌહાણે પણ આ મિટિંગમાં રસ દાખવી યોગ્ય સુજાવ આપી કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલની વાત સાથે સંમત થઈ સફાઈ કર્મચારીઓને સમજાવ્યા હતા.સાથે સાથે બેઠક દરમિયાન અલ્કેશસિંહ ગોહિલે સફાઈ કામદારોને જણાવ્યું હતું કે અમારી લાગણી તમારી સાથે છે પરંતુ જો સરકારની કોઈ સૂચના આવે તો અમારે ન છૂટકે આઉટ સોર્સ કર્મચારી રાખવા પડે તો તમને નુકશાન જશે.એ માટે તમારી યોગ્ય માંગણીઓ બાબતે અમે 14મી તારીખે બોર્ડ મિટિંગમાં સર્વાનુમત્તે ઠરાવ કરી જિલ્લા કલેક્ટર મારફતે અમે સરકારને રજુઆત કરીશું.આપણા શહેરમાં ગંદકી કે રોગચાળો ન ફેલાય એ માટે તમામ હડતાલમાં જોડાયેલા કર્મચારીઓ નોકરી પર શરુ થઈ જાય એ યોગ્ય રહેશે.સેનેટરી ચેરમેન કાજલ કાછીયા,કિંજલ તડવી,લીલા વસાવા,મહેશ વસાવા,સંદીપ દશાંદી,જીજ્ઞેશ કપ્તાન,,ઇલ્મુદ્દીન બક્ષી સહીત વાલ્મિકી સમાજના પ્રમુખ કમલભાઈ ચૌહાણની હાજરીમાં આ બેઠક કરવામાં આવી હતી.ત્યારે હવે સફાઈ કામદારો શું નિર્ણય લે છે એ જોવું રહ્યું.
બોક્ષ:રાજપીપળા પાલિકાના સફાઈ કામદારોએ તેમને સફાઈ કામદારની જગ્યાએ સ્વછતા સૈનિકનું નામકરણ કરવા રજુઆત કરતા પાલિકા સત્તાધીશોએ તેમની આ વાત માન્ય રાખી હવે તેમને સફાઈ સૈનિકનું નામ આપવા સર્વાનુમતે નક્કી કર્યું હતું.ગુજરાતની 162 નગરપાલિકાઓમાં રાજપીપળા નગર પાલિકા પ્રથમ નગરપાલિકા છે કે જેણે સફાઈ કામદારોને સ્વચ્છતા સૈનિક તરીકે ઓળખાવવા નક્કી કર્યું હોય.