જાન દેગે જમીન નહિ,કેવડિયા રેલ્વે લાઈનનું જમીન સંપાદન રદ્દ કરો:ગુજરાત ખેડૂત સમાજની માંગ
રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડીયામાં પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ રેલ માર્ગે પણ પ્રવાસીઓ આવી શકે એ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડીયામાં રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન પણ કર્યું હતું.હવે આ રેલ્વે માટે સરકાર દ્વારા જે જમીન સંપાદિત કરાઈ છે એનો વિરોધ નોંધાવી જમીન સંપાદન રદ્દ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂત નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.”જાન દેગે જમીન નહીં,કિસાન એકતા ઝીંદાબાદ,કેવડિયા રેલ્વે લાઈન માટેનું જમીન સંપાદન રદ્દ કરો” ના ખેડૂતોના નારાથી કલેકટર કચેરી ગુંજી ઉઠી હતી.
ગુજરાત ખેડૂત સમાજના ગરૂડેશ્વર અને તિલકવાડાના ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું,જેમાં જણાવ્યું હતું કે ચાણોદ થી કેવડિયા રેલ્વે લાઈનની કામગીરી 2013ના જમીન સંપાદનના કાયદાનો સંપૂર્ણ ઉલ્લંઘન કરી કાયદા વિરુદ્ધ કામગીરી ચાલી રહી છે.નામદાર હાઇકોર્ટે જમીન સંપાદનના કાયદાની એવી સમજણ આપી છે કે વર્ષ 2019ની જંત્રી મુજબ 4 ગણા રૂપિયા ચૂકવવા.જમીનના વેચાણ દસ્તાવેજ અને સંપાદિત જમીનથી 10 કિમિ જમીનની વેચાણ કિંમત તથા નિષ્ણાત જમીનના વેલ્યુઅરની નિમણુંક કરી જમીનની કિંમત નક્કી કરવી.અસરગ્રસ્ત વિસ્તાર અને લોકો ઉપર ઉભી થનાર સામાજિક અસરોનું મુલ્યાંક કરી વળતરની ચુકવણી કરવી.
અમારા ખેતરમાં આવવા જવાના રસ્તાની,વરસાદી પાણીના નિકાલની તથા કુવા,બોર વિજજોડાણની કોઈ વ્યવસ્થા નથી.આ રેલ્વે લાઈન બનવાથી અમારી જમીન બે ભાગમાં વેહેચાઈ જશે જેથી અમે ખેતી પણ કરી શકીએ નહિ.જેથી અમે અમારી જમીન સંપાદિત કરવાના પક્ષમાં નથી પણ ધાક ધમકીથી નજીવી કિંમતે અમારી જમીન પડાવી લેવામાં આવશે એનો અમને પૂરેપૂરો ભય છે.કેવડિયા રેલ્વે લાઈન લઈ જવાના બીજા પણ ઘણા વિકલ્પો છે અને એમા જમીન પણ સંપાદિત થઈ ગઈ છે.તો અગાઉ નક્કી કરેલ વિસ્તારમાંથી જ રેલ્વે લાઈન જાય અને કાયદા વિરુદ્ધની કામગીરી બંધ થાય એવી અમારી માંગ છે.