પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસહજી હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓ સારવાર તેમજ દવા લેવા માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે ક્યાંકને ક્યાંક કેટલાક એવા દર્દીઓ પણ આવે કે જે દારૂની ટેવ ધરાવે છે. આવા દર્દીઓ માટે જાણે શૌચાલય સ્પેશ્યલ ફાળવવામાં આવ્યું હોય તેમ શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ નજરે પડે છે. જાણે શૌચાલય દેશી દારૂના વ્યવસાય તરીકે ઉપયોગ થતો હોય તેવું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલ તંત્રને આ બાબતની જાણ હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી તેવી પણ હોસ્પિટલમાં ચર્ચા થઇ રહી છે.
સરકારી ભાવસહજી હોસ્પિટલના બ્લડ બેંક નજીકના શૌચાલયમાં દેશી દારૂની કોથળીઓ નજરે પડી હતી. ગુજરાતમાં દારૂબંધી છે એમાં પણ પોરબંદર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. તેમ છતાં પણ પોરબંદરમાં બેરોકટોક દેશી દારૂ વેચાઇ રહ્યો છે તેવી પણ ચર્ચા અનેક વખત જોવા મળી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા શૌચાલયની અંદર દેશી દારૂની કોથળીઓને લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ થઇ રહી છે. કારણ કે હોસ્પિટલમાં આવતા દર્દીઓને જાણે હોસ્પિટલમાંથી જ દેશી દારૂ આપવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. કારણ કે એક સાથે ઘણીબધી દેશી દારૂની કોથળીઓ જોવા મળી છે. આ દેશી દારૂ ક્યાંથી આવે છે અને કોણ સરકારી ભાવસહજી હોસ્પિલમાં પહોંચાડે છે અને તેમાં પણ ખાસ વાત એ છે કે હોસ્પિટલના શૌચાલયમાં કોણ દેશી દારૂ પહોંચાડે છે. આવા અનેક સવાલો થઇ રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા આ બાબતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ થઇ રહી છે.