પોરબંદરના દેગામ નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનોના મોત નિપજયા હતાં. જયારે દસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, તે પૈકી પાંચને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કર્યા હતાં. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
પોરબંદરના ત્રણ માઈલથી અડવાણા થઈ જામનગર જતા હાઈવે પર બપોરના સમયે સર્જાયેલા ગંભીર અકસ્માતની વિગત એવી છે કે પોરબંદરથી જામખંભાળીયા જતી ટ્રાવેલ્સ બસ અને કાર વચ્ચે દેગામ ગામના પાટીયાથી થોડે દૂર ટક્કર થઈ હતી. ફૂલસ્પીડે આવી રહેલા બંને વાહનો વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કિંદરખેડાના બે યુવાનો જેમાં કિંદરખેડા ગામે મહેરસમાજ પાસે રહેતા હરદાસભાઈ હમીરભાઈ મોઢવાડીયા (ઉ.વ.૪૦) કિંદરખેડાની કામીયુસીમમાં રહેતા રામભાઈ વિરમભાઈ ઓડેદરા (ઉ.વ.૪૫) નું ઘટનાસ્થલે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે કિંદરખેડાના હિતેશભાઈ રામદેભાઈ કેશવાલા (ઉ.વ.૨૨), પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અરજનભાઈ પેથાભાઈ (ઉ.વ.૩૫), રોકડીયા હનુમાનમંદિર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ નાથાલાલ માવદીયા (ઉ.વ.૪૮) તથા રેખાબેન વિનોદભાઈ માવદીયા (ઉ.વ.૩૪) અને કિંદરખેડાના રામભાઈ સદાસભાઈ મોઢવાડિયા (ઉ.વ.૪૫) ને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે બે ઈમરજન્સી સેવા ૧૦૮ મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. જયારે અન્ય પાંચેક ઈજાગ્રસ્તોને અન્ય વાહનો મારફતે ખાનગી હોસ્પિટલોમાં લઈ જવાયા હતાં.
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયેલા હિતેશ કેશવાલા અને રામ મોઢવાડીયાની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેઓને બહારગામ લઈ જવાયા હતાં. ત્યારે રસ્તામાં આ બંને યુવાનોના પણ મોત નિપજયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થલે દોડી ગયો હતો. અને ટ્રાફિક નિયમન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સેવાભાવી યુવાનો અને લોકો પણ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં જોડાયા હતાં.