ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના પાંચ ગુમ અને બે ઘાયલ ક્રૂને બચાવ્યા હતા. ICG મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) પોરબંદરને IFB જય ભોલે ઓનબોર્ડ પર લાગેલી આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. ફિશિંગ બોટમાંથી 7 માછીમારોને બચાવી લેવાયા હતા. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરી હતી. જેમાં બે માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા, તમામ ઈજાગ્રસ્તને સારવાર આપવા પોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હોવાના અહેવાલ પ્રાપ્ત થતા પોરબંદર ખાતેના ICG જિલ્લા મુખ્યાલયે તરત જ પ્રતિક્રિયા આપી અને તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156 ને ડેટમ તરફ વાળ્યા હતા અને પોરબંદરના ICG એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ICG જહાજો મહત્તમ ઝડપે રેસક્યૂ કરવા માટે આગળ વધ્યા હતા સવારે 10:20 વાગ્યે ડેટમ પર પહોંચ્યા. ડેટમ પર પહોંચ્યા પછી, એવું જોવામાં આવ્યું કે ક્રૂ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ હતી.
જહાજ પરના સાત ક્રૂમાંથી, બે ને નજીકમાં ઓપરેટિંગ કરતી ડીંગી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ ગુમ હતા. ગુમ થયેલા માછીમારોને શોધીને ગુમ થયેલા તમામ પાંચ ક્રૂને ICG હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. પાંચેય ક્રૂને બપોરે 1:00 વાગ્યે પોરબંદર લાવવામાં આવ્યા હતા. ડીંગી બોટ દ્વારા બચાવાયેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલ ક્રૂને ICG જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ICGએ છેલ્લા 08 મહિનામાં ગુજરાત પ્રદેશમાં દરિયામાં 60 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.