ગુજરાતની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉનાળામાં પાકતી આ કેરી હવે શિયાળામાં પણ જોવા મળી રહી છે ન માત્ર એટલું જ પણ પાક પર આવી ગઈ હોવાને કારણે તે વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ સુધી પણ પહોંચી રહી છે. આ વાત પોરબંદર માર્કેટિંગ યાર્ડની છે. અહીં યાર્ડમાં ત્રણ કેરેટ એટલે કે 6 બોક્સ કેસર કેરીની આવક થતા કેરીના સ્વાગત માટે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વહેલા કેરીના પાકની આવક થવાને કારણે માર્કેટમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેસર કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. આ કેરીનું ઉત્પાદન ઉનાળામાં થતું હોય છે પરંતુ પોરબંદરના એક ખેડૂતના બગીચામાં કેરીનો પાક આવવાની શરૂઆત થઇ ગઈ છે અને તેમણે કેરી માર્કેટમાં વહેંચવા પણ કાઢી દીધી છે.
પોરબંદર તાલુકાના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં બે ત્રણ મહિના પહેલા આંબામાં મોર જોવા મળી રહ્યા છે. તો કેટલાક આંબામાં કેરી પાકી જતા માર્કેટિંગ યાર્ડમાં વહેચાણ માટે પહોંચ્યા છે. 60 કિલો કેરીની આવક થતા કેસર કેરી હરાજીમાં આવી હતી.
આ કેરીનું આગમન કેટલાક લોકો વાતાવરણમાં થયેલા બદલાવને માની રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનના ફેરફારને લીધે ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં મોર ફૂટવા લાગ્યા છે અને કેટલાક આંબાઓમાં કેરીનું ઉત્પાદન પણ આવી રહ્યું છે. આ ઘટનાને પ્રથમ બનાવ માનવામાં આવી રહ્યો છે. આ કેરીના આગમન થવાને કારણે વેપારીઓ જે વર્ષોથી કેરીનો ધંધો કરી રહ્યા છે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ ઘટનાને નવીન ગણાવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન થવાને કારણે જે લોકો કેરીનો રસીયાઓ જે સ્વાદ ચાખવા માંગી રહ્યા છે. તેઓ પણ અદભુત સ્વાદ માણી શકશે તો બીજી તરફ ખેડૂતોને પણ સારા ભાવ મળવાને કારણે ખુશી જોવા મળી રહી છે.