પોરબંદરની જૂની કોર્ટ બિલ્ડિંગ ખંઢેર હાલતમાં પરિણમી છે. એક સમયની ધરોહર આજે બિસ્માર ભાસે છે. રાજાશાહીના વખતનું આ ઐતિહાસિક બિલ્ડિંગ અવદશામાં ફેરવાઈ ગયું નજરે ચડે છે. છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે. આ ઐતિહાસિક ધરોહર એવી જૂની કોર્ટ બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે. છત તૂટી પડી છે અને કાટમાળ ખડકાઈ ગયો નજરે ચડે છે. બારીઓ પણ તૂટી ગઈ છે અને લોખંડ કાટ ખાઈ રહ્યું છે. બિલ્ડિંગ અવદશામાં ફેરવાઈ ગયું છે અને ધીરેધીરે ઈમારત જીર્ણ થઈ રહી છે. દીવાલો પણ ખવાઇ ગઈ છે. કલર ઉખડી ગયા છે અને ઈમારતની શૈલી પણ બગડી રહી છે. શહેરની માધ્યમાં આવેલ આ ઇમારતના સંવર્ધન અને ત્યાં પોરબંદરની વૈવિધ્ય સભર કાલા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ભવ્ય ઇમારતમાં ઐતિહાસિક તેમજ પુરાતત્ત્વીય સંગ્રહાલય બનાવવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રે ખુબજ મહત્વનું બની રહે તેવી પોરબંદર કંઝર્વેટરીના નિશાંત બઢ દ્વારા સરકાર તરફ માંગણી કરવામાં આવી છે.
પોરબંદર શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની ભૂમિમાં આવી ઐતિહાસિક ધરોહર ધીરેધીરે જીર્ણ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આવી ધરોહરને બચાવવા પૂરતા પ્રયાસ કરવા જોઈએ. આવી ધરોહર પોરબંદરનું ગૌરવ સમાન છે તેનું જતન કરવું અનિવાર્ય છે.