પોરબંદરમાં કોલ્ડવેવની અસર હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરવા માટે એન.એસ.યુ.આઇ. દ્વાર રજુઆત થઇ હતી અને તે અનુસંધાને સમયમાં ફેરફાર થયો છે. પોરબંદરના જીલ્લા શિક્ષણઅધિકારી કે.ડી. કણસાગરાએ પોરબંદર જીલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓના આચાર્ય અને સંચાલકોને પરિપત્ર મોકલી જણાવ્યું છે કે, શિયાળાના કોલ્ડવેવની અસર હોય જેથી પોરબંદર જીલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવાનો રહેશે. જેમાં તમામ સરકારી પ્રા. શાળાઓ સમય સોમવાર થી શુક્રવાર રાબેતા મુજબ રહેશે તથા જે શાળાઓ પાળી પધ્ધતિથી ચાલે તેનો સમય સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ અને બીજી પાળી સમય ૧૨:૪૫ થી ૫:૪૫ સુધીનો રાખવાનો રહેશે. તમામ ખાનગી પ્રા. શાળાઓ જે સવારની પાળીમાં ચાલે છે. તેનો સમય સોમવારથી શુક્રવાર સુધી સવારના ૭:૩૦ થી ૧૩:૦૦ કલાક સુધીનો રાખવાનો રહેશે. બાકીની પ્રાથમિક શાળાઓનો સમય રાબેતા મુજબ રહેશે.
તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે સવારની પાળીમાં ચાલે છે. તેનો સમય સોમવારથી શુક્રવાર સુધી સવારના ૭:૩૦ થી ૧૩:૦૦ કલાક સુધીનો રહેશે. જે શાળાઓ સવારની પાળીમાં ચાલતી નથી તેવી શાળાઓનો સમય રાબેતા મુજબ રહેશે.
તમામ સરકારી ખાનગી પ્રા. શાળાઓ તથા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો શનિવારનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધીનો રાખવાનો રહેશે. પરંતુ જો કોઈ શાળા બે પાળીમાં ચાલતી હોય તો તેવી શાળાઓનો સમય પ્રથમ પાળી ૭:૩૦ થી ૧૧:૩૦ તથા બીજી પાળીનો સમય ૧૨:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધીનો રાખવાનો રહેશે તેવી સુચના અપાઈ છે.