પોરબંદરની ભાગોળે આવેલા જાલેશ્વરી પેટ્રોલ પંપ પર ૨૦૨૦ની સાલમાં ગેરકાયદે મંડળી રચી તોડફોડ કરી રૂા.પ લાખની માંગણી કરવાનાં કેસમાં આરોપીઓનો બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા નિદોર્ષ છૂટકારો ફરમાવવામાં આવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે પોરબંદરની ભાગોળે આવેલા જાલેશ્વરી પેટ્રોલ પંપ પર દાસા ભીખન છેલાણા, મયુર ધાના કોડીયાતર, હક્કા ઘેલા મકવાણા, ધીરૂ ભીખન છેલાણા, કાના રાણા છેલાણાએ મળી લોખંડના પાઇપ અને કુહાડી વડે બે મશીનોમાં તોડફોડ કરી પંપનો મુખ્ય દરવાજાનો કાચ તોડી લેપટોપ સહિતની માલમત્તાને નુકશાન પહોંચાડી પાંચ લાખથી વધુનો નુકશાન પહોંચાડયું હતું. ત્યારબાદ આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી રૂા.પ લાખની માંગણી કર્યાની ફરિયાદ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીઓ સામેનું ચાર્જશીટ અદાલતમાં રજુ કર્યુ હતું.
દરમિયાન આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં બંને પક્ષનાં વકીલો દ્વારા અલગ- અલગ દલીલો અને રજુઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ફરિયાદ પક્ષે ૨૩ જેટલા સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતાં. આમ બંને પક્ષે સાક્ષીઓની તપાસ તથા ઉલટ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ઘ્યાને લઇ અદાલતે તમામ આરોપીઓનો નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફે વકીલ જે.પી. ગોહેલ, એમ.જી. સીંગરખીયા, એમ.ડી. જુંગી, એન.જી. જોષી અને વી.જી. પરમાર, પી.બી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જીજ્ઞેશ ચાવડા અને મયુર સાવલીયા રોકાયા હતાં.