ગાંધીજીની જન્મ ભૂમી અને કૃષ્ણ સખા સુદામાજીની પવિત્ર ભૂમિ તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત પોરબંદરનું એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. અહીંથી અગાઉ ઉપડતી અમદાવાદ અને મુંબઈની ફલાઈટો બંધ થઈ જતા મુસાફરોને મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રાપ્ત વિગત મુજબ, મહાત્મા ગાંધીજી અને શ્રી કૃષ્ણ સખા સુદામાજીની ભૂમિ એવા પોરબંદર એરપોર્ટ પરથી અગાઉ અમદાવાદ અને મુંબઈ સુધીની વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ વિમાન સેવા પણ થોડા દિવસો બાદ બંધ કરી દેવામાં આવી છે.
પોરબંદરમાંથી અનેક વેપારીઆે મુંબઇ ખરીદી માટે જતા હોય છે. જ્યારે ઘણા લોકો મુંબઇ કામ અર્થે જતા હોય છે. આ ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓને પણ અમદાવાદ અને મુંબઈ સુધી પહોંચવા આ વિમાની સેવા અતિ ઉપયોગી બની હતી. પરંતુ હાલ પોરબંદરના એરપોર્ટ પરથી એક પણ ફલાઈટ ઉપડતી નથી, જેને કારણે લોકોને ટ્રેન બદલાવીને મુંબઇ સુધી પહોંચવું પડે છે જેથી અનેક મુશ્કેલી ઉભી થાય છે અને સમયનો પણ વ્યય થાય છે.
એ પણ ઉલ્લેખનીય છે કે, આ વિમાની સેવા શરૂ હતી ત્યારે પોરબંદરથી વિમાન મુસાફરોથી ફૂલ રહેતું હતું. આમ છતાં કોઈ કારણોસર આ વિમાની સેવા બંધ થતા પોરબંદર આવવા-જવા માટે અસંખ્ય પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે મુસાફરોની આ મુશ્કેલીને ધ્યાનેે લઈ તાત્કાલીક ફરીથી પોરબંદર થી અમદાવાદ અને મુંબઈની વિમાની સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી પામી છે.