પાવીજેતપુર તાલુકામાં લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શ્રમજીવીઓને રોજગારી મળે તે માટે મનરેગા યોજનાનાં કામો ચાલુ કર્યા હતા અને કોલીયારી ગામે તળાવો ઊંડા કરવાના અને નવું તળાવ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ મનરેગા વિભાગનાં કર્મચારીઓ અને ગામના તલાટી અને સરપંચ દ્વારા આ યોજનાનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો અને બે તળાવો કાગળ ઉપર જ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ લેખીતમાં તાલુકા વિકાસ અધીકારી અને ગઈકાલે જીલ્લા કલેકટરને તટસ્થ તપાસ કરી કસૂરદારો ઉપર પગલાં ભરવા આવેદનપત્ર આપ્યું હતુ તેણે લઇ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને જીલ્લા વિકાસ અધિકારી નિયામક ગ્રામ વિકાસ એજન્સીના અધીકારી તેમજ અન્ય અધીકારીઓએ કોલીયારી ગામની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસમાં તળાવો ઊંડા કર્યા ન હોવાનું જણાયું હતું અને કોલીયારી ગ્રામ પંચાયતના સર્વે નંબર ૩૩૧ માં તળાવ ઊંડું કર્યા વગર રૂ. ૪,૮૭,૨૦૦/- તેમજ સર્વે નંબર ૨૮૧ માં પણ તળાવ ઉંડું કર્યા વિના જ રૂ. ૪,૪૪,૦૦૦/- નો ખર્ચ પાડી દીધો હોવાનુ અને મજૂરીનાં રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર પી.એ.ગામીતે કોલીયારીના જી.આર.એસ. ( ગ્રામ રોજગાર સેવક) મુકેશ એમ.રાઠવા અને પાવી જેતપુર તાલુકા પંચાયત મનરેગા વિભાગનાં ટેકનીકલ આસીસ્ટંટ હીરેન એચ.વસાવાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં મનરેગા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત જીલ્લા વિકાસ અધીકારી મીહીર પટેલે કોલીયારીના સરપંચ અને તલાટીની સામે શીસ્તભંગના પગલા ભરવાની તૈયારી ચાલુ થતા ભ્રષ્ટાચાર આચરતા કર્મચારી તેમજ સરપંચોમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય એ છે કે જીલ્લા સ્તરેથી હજી અન્ય તાલુકાઓમાં પણ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી અનેક યોજનાઓ અને લાભાર્થીઓ બાબતે તબક્કાવાર તપાસ કરવામાં આવે તો ધણુ બધુ બહાર આવે તેવી તીવ્ર સંભાવનાઓ રહેલી છે. સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
તૌફીક શેખ :- છોટાઉદેપુર