ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું શુક્રવારે સવારે પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોની પટનાથી દિલ્હી ફ્લાઈટમાં ટેકઓફ પછી એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું હતું. પાયલોટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. આ પછી વિમાનને નીચે ઉતારવામાં આવ્યું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
ઈન્ડિગો ફ્લાઈટ 6E 2433 એ પટનાના જય પ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8.37 વાગ્યે ઉડાન ભરી હતી. ટેક ઓફ થયાના માત્ર 3 મિનિટ બાદ જ એરક્રાફ્ટનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું. પટના એરપોર્ટના ડાયરેક્ટરને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને એન્જિન બંધ થવા અંગે જાણ કરી હતી. આ પછી ATC એ તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી આપી.
એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ઈમરજન્સી લેન્ડિંગ પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો. આ પ્રોટોકોલ હેઠળ તમામ ફ્લાઈટ્સની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વગેરે જેવી આવશ્યક સેવાઓને રનવે તરફ મોકલવામાં આવી હતી. ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ફ્લાઈટનું સવારે 9.11 વાગ્યે સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈપણ મુસાફરને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. એરપોર્ટ પર તમામ કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે.
બે મહિનામાં હવામાં ઈન્ડિગો એરક્રાફ્ટનું એન્જિન ફેલ થવાની આ બીજી ઘટના છે. આ પહેલા 21 જૂનના રોજ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.