પાટણ જિલ્લાના ચાર તાલુકાના 214 ગામોમાં ભૂગર્ભ જળ સપાટી ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગથી અટલ ભૂજલ યોજના મારફતે પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં ભૂગર્ભ જળ સપાટીનો અભ્યાસ કરવા માટે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી અને ચાણસ્મા તાલુકામાં 50 પીઝોમીટર ( બોર) બનાવવામાં આવશે અને તે બોરમાં ઓટોમેટીક ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર ઉતારીને પાણીની સપાટીની વધઘટનો અભ્યાસ કરાશે.
આ સાથે ચાર તાલુકાના જુદા જુદા ગામોના ટ્યુબવેલો પરથી પાણીના 1068 સેમ્પલ રાસાયણિક પૃથક્કરણ માટે લેવામાં આવ્યા છે. પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને કચ્છ જિલ્લામાં ભૂગર્ભજળ તળને ઊંચા લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે જેમાં અટલ ભૂજલ યોજના થકી વધુ એક પ્રયાસ શરૂ કર્યા છે જેમાં ભૂગર્ભ જળ સપાટીની વધઘટની સ્થિતિ જાણવા માટે આ યોજનામાં 50 પીઝોમીટર ( બોર) મંજૂર કર્યા છે જુદા જુદા અંતરે આ અભ્યાસ માટે બોર બનાવાશે.
જેમાં 80 મીટરથી માંડી 240 મીટર સુધીની ઊંડાઈના બોર બનાવાશે અને તેમાં ઓટોમેટીક ડિજિટલ વોટર લેવલ રેકોર્ડર ઉતારવામાં આવશે તે મશીનના માધ્યમથી ભૂગર્ભમા થતી પાણીની વધઘટ માપી તેનો અભ્યાસ કરાશે. હાલમાં ચાણસ્મા તાલુકાના મેરવાડા અને મીઠાધરવા બે ગામમાં બોર તૈયાર કર્યા છે આગામી સમયમાં બીજા બોર પણ બનાવાશે.
આ અંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટના હાઈડ્રોજીઓલોજિસ્ટ એ.વી પટેલે જણાવ્યું હતું કે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છ જિલ્લામાં ભૂગર્ભ જળ સપાટી ઉપર લાવવા માટે અટલ ભૂજલ યોજના થકી કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગથી પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, સરસ્વતી તાલુકાના 214 ગામોનો સમાવેશ કરાયો છે. ભૂગર્ભ જળ સપાટીની વધઘટનો અભ્યાસ કરવા માટે 50 પીઝો મીટર બનાવવા માટે મંજૂરી મળી છે.
પાણીનું રાસાયણિક પૃથક્કરણ કરવા માટે ચાર તાલુકાના જુદા જુદા ગામોના ટ્યુબવેલ પરથી પાણીના 1068 સેમ્પલ લેવાયા છે દરેક ગામમાંથી 5 ટ્યુબવેલ પરથી નમૂના લેવાયા છે આ નમૂના ખેરવા લેબોરેટરી ખાતે મોકલ્યા છે લેબોરેટરીમાં પાણીનું રાસાયણિક પૃથક્કરણ કરી તેની ગુણવત્તાની ચકાસણી કરાશે. ગામડાઓમાં જે ટ્યુબવેલો ચાલી રહ્યા છે તેના પાણીની સપાટી કેટલી છે તેની ખેડૂતો સાથે વાતચીત કરી અનુમાનિત માપણી કરાઈ રહી છે. તેના પરથી કયા વિસ્તારમાં પાણીની કેટલી સપાટી છે તે જાણી શકાશે.