છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેર મંદ બની છે. જેના કારણે કોરોના પોઝિટિવ કેસોમાં પણ સંપૂર્ણપણે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોની પરંપરા મુજબ ઉજવાતી ટોપલા ઉજવણીનું મહત્વ સમજાવતા ખેડૂત અગ્રણી દિપસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે ચોમાસાનાં આગમન પહેલાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વાવેતરને લઈને ધરતી માતા અને વરૂણ દેવની પ્રાર્થના માટે સમસ્ત ગ્રામજનો દ્વારા પોત પોતાના ખેતરમાં હળ હાંકી ખેતીનું વાવેતર કરતાં અને મહિલાઓ ઘરેથી નિવૈધ તૈયાર કરી ટોપલામાં મુકી ખેતરમાં ધરતી માતાનું પુજન કરી સૌ સમુહમાં નૈવેધ ગ્રહણ કરતા હતા.
ત્યારે કોરોનાને ફરી આમંત્રણ આપવામાં આવતું હોય તેમ બુધવારના રોજ સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે વર્ષોની પરંપરાનુસાર ઉજવાતી જોગણી માતાજીની ટોપલા ઉજવણીમાં ગામની 500 bથી વધુ મહિલાઓએ માથે ટોપલા લઈ એકત્રિત થતા કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ટોપલા ઉજવણીમાં ગામની મોટાભાગની મહિલાઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું સરેઆમ ઉલ્લંધન કરી રહ્યાં હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થવા પામ્યા છે. એક તરફ જિલ્લા પ્રશાસન દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરને અટકાવવા અને કોવિડની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ધ બન્યા છે. ત્યારે સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામે ઉજવાયેલા જોગણી માતાની આ ઉજવણીમાં કોવિડના નિયમોનું ગામની મહિલાઓ દ્વારા સરેઆમ ઉલ્લંઘન કરી કોરોનાને ફરી આમંત્રિત કરી રહ્યાં હોય તેવા સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ જિલ્લાવાસીઓમાં પ્રબળ બનવા પામી છે.