રૂમઝુમ કરતા નવલા નવરાત્રી પ્રારંભ હવે બારણે ટકોર દઈ રહ્યો છે ત્યારે સોમનાથના ભાલકાતીર્થમાં માટીના ગરબા બનાવવાનુ કામ કરતા પ્રજાપતિ સમાજના પરિવારો ગરબાને આખરી ઓપ આપી રહ્યા છે. ભાલકાના બાઈ ગરબી ચોક, કૈલાસ સોસાયટી, હનુમાનજી મંદિર ૫ પાસે આ પરિવારો અખૂટ પરિશ્રમ કરી માટીના ગરબાઓ બનાવી રહ્યા.
રંગકામ સુશોભન અને ૧ આદ્યશકિતની ભકિત સાથે પોતાની વંશ પરંપરાગત કલા કેમ દિપી ઉઠે તેમા વ્યસ્ત છે. ૬૩ વર્ષીય કાનાભાઈ જેઠવા કહે છે નાનપણથી અમો આ ધંધો કરીએ છીએ આજે ધાતુના ગરબાઓ પ્રચલીત થયા છે પણ ભગવાનની દયાથી અમારું ગુજરાન ચાલે છે. માટી પણ હવે નજીકમાં મળતી નથી જેથી ટ્રેક્ટરના મોંઘા ભાડા અને માટીના પૈસા ખર્ચી મંગાવવી પડે છે. તેઓની પાસે ઈલેકટ્રીક ચાકડો અને ગાડાના પૈડા જેવો હાથ અને દંડીકાથી ચાલતો પ્રાચીન ચાકડો છે. જલ્પાબેન સુરેશ જેઠવાના જણાવ્યા પ્રમાણે માટીના બનેલા ગરબા હું અમારા પરીવારના શાંતાબેન ઘરના નાના-મોટા સૌની ભાડે પકાવાયેલ એ ગરબા ઉપર સફેદ પાકો કલર લગાવીએ અને પછી તેના ઉપર લાલ પાકો ક્લર લગાવી સોનેરી કલરથી ડીઝાઈન ચીતરીયે અને લેસ, આભલા, કોનથી અમારી કલાનુ સુશોભન કરીએ છીએ. ૬૧ વર્ષના દામજીબાપાએ બનાવેલા ગરબા હવે ઘરેથી વિદાય થઈ ચોક, શેરીઓ, માતાજી મંદિરો, ઘરોમાં જવા થનગની રહ્યા છે.