અંબાજીમાં ભાદરવી પૂનમનો મા અંબાનો મહામેળો તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોઇ વર્ષોથી પગપાળા સંઘો લઇને જતાં માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેળામાં રાજ્યભરમાંથી આવતા સંઘોને ફરજિયાત ઓનલાઇન પાસ પરમીટની વ્યવસ્થા લાગુ કરાઇ છે. જેમાં પાટણ જિલ્લામાંથી 66 જેટલા પગપાળા સંઘો ઓનલાઇન નોંધણી થઇ ચૂકી છે. આ સંઘો સીધુ સામાનવાળાં વાહનો સાથે અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઇ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કઢાવી તેનું વિતરણ શરૂ કર્યું છે.
ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં રજીસ્ટ્રર્ડ 1470 સંઘોના 28 ઝોન મારફતે વાહન એન્ટ્રીપાસ વિતરણ શરૂ કરાયું છે. પાટણ ઝોનના સુરેશભાઈ પટેલ અને મેહુલ ભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અગાઉ મેન્યુઅલી સંઘના ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમીટ માટે મોકલતાં અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘોના સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડતા હતા. આ વખતે અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઇન પાસ કરાયા હોઇ છેલ્લા 10 દિવસથી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ કાર્યાલય ખાતે ઓનલાઇન સંઘોની પાસ માટે એન્ટ્રી કરી ફોર્મ નોંધાવેલ અને પાસ કાઢી હવે ઝોન પ્રતિનિધિ મારફતે સંઘોને પહોંચાડવાનું શરૂ કર્યું છે. પાટણ જિલ્લાના 66 જેટલા સંઘોને પાસ પરમીટ આપી દેવમાં આવી છે. પાટણ જિલ્લામાંથી 66 સંઘ નોંધાયેલા છે અને આ તમામ સંઘોને રથ અને વાહનને દાંતા, પછીથી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઇ જવા ઓનલાઇન પાસ તૈયાર થતાં મેળવી લીધા છે અને પાટણના બાકીના સંઘોને પાસ વિતરણ થઈ જશે.