પાટણ શહેરમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ હતી. શીતળા માતાના મંદિરે ભક્તો ઉમટ્યા, શ્રાવણ વદ સાતમ એટલે કે, શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થાને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈપણ પ્રકારની દવા અને ઉપચાર પદ્ધતિ અમલમાં ન હતી ત્યારથી મહિલાઓ દ્વારા તેમના નાના બાળકોને શીતળા નામની બીમારીથી મુક્તિ મળે તે માટે શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર મનાવવામાં આવે છે. શીતળા માતા તેમના પરિવારને શીતળા નામના રોગ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ હતી જે આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે. આદિ અનાદી કાળથી શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા ચાલતી આવે છે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે.
શીતળા સાતમના તહેવાર નિમિત્તે પ્રત્યેક મહિલાઓ પોતાના પરિવારના બાળકોનું શીતળાના રોગ સામે રક્ષણ થાય તે માટે શીતળા માતાનું પૂજન કરીને તેની કૃપાદ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે શીતળા સાતમનો તહેવાર મનાવી રહી છે. વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈ તબીબી ઉપચાર પદ્ધતિ અને દવાઓ જોવા મળતી ન હતી તેવા સમયે શીતળા નામના રોગ સામે શીતળા માતા રક્ષણ આપતી હોવાની ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. શીતળા સાતમના તહેવાર પૂર્વે રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં રાંધેલો ખોરાક શીતળા માતાને અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે જેમાં મહિલાઓ દ્વારા ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. કુલર, શ્રીફળ અને મીઠાઈ જે ઘરમાં બનાવવામાં આવી છે તે શીતળા માતાને પ્રસાદી રૂપે અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા છે ત્યારબાદ શીતળા માતાને ધરેલો પ્રસાદ ઘરના તમામ સદસ્યો આરોગે છે. માતાજીના પ્રસાદ અને મીઠાઈ પ્રત્યેક ઘરમાં આજે પણ બનતી જોવા મળે છે. શીતળા માતાને અર્પણ કરાયેલા ખોરાક પ્રસાદ રૂપ બની જાય છે અને તેના આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારનું આરોગ્ય જળવાઈ રહે છે તેવી ધાર્મિક માન્યતા સાથે શીતળા સાતમના તહેવારની ઉજવણી થઈ રહી છે.