પંજાબની ભગવંત માન સરકારે લોકોને ઘરેલું ગેરકાયદેસર દારૂથી દૂર રાખવા માટે એક નવો વિચાર રજૂ કર્યો છે. માન સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને તેની એક્સાઈઝ નીતિની સ્પષ્ટતા કરતા કહ્યું કે તે લોકોને ગેરકાયદેસર દારૂથી દૂર રાખવા માટે બજારમાં હેલ્ધી અને સસ્તો દારૂ લાવશે. બીજી તરફ, તેમણે કહ્યું કે, ગેરકાયદેસર દારૂના ઉત્પાદકો અને વેચાણકર્તાઓની સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે.
વાસ્તવમાં, ગુરુવારે પંજાબમાં નકલી અને ઝેરી દારૂના વેચાણના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન, સરકારે કહ્યું કે તે લોકોને તેનાથી દૂર રહેવા માટે તંદુરસ્ત વિકલ્પ તરીકે દેશી દારૂનું સસ્તું સંસ્કરણ પ્રદાન કરવાની યોજના બનાવી રહી છે. રાજ્ય સરકારે વર્તમાન આબકારી નીતિમાં 40 ડિગ્રીની સ્ટ્રેંથવાળા દેશી દારૂનું સસ્તું સંસ્કરણ રજૂ કર્યું છે. આ દારૂ ગેરકાયદેસર ઘરેલુ દારૂનો આરોગ્યપ્રદ વિકલ્પ બની રહેશે.
પંજાબ સરકારે કહ્યું કે રાજ્યના આબકારી વિભાગ અને મહેસૂલ વિભાગને દારૂના ગેરકાયદે વેપારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. પંજાબ સરકારે જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન સામે જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. લોકોને ગેરકાયદેસર દારૂના સેવનથી થતા નુકસાન વિશે જણાવવામાં આવશે. આ સાથે દારૂ બનાવવા અને વેચવા અંગે માહિતી આપનાર વ્યક્તિને ઈનામ આપવાની જૂની યોજનાનો વધુને વધુ પ્રચાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજીકર્તાએ કહ્યું છે કે પંજાબ પોલીસ ગેરકાયદેસર દારૂ વેચતા નાના લોકોની ધરપકડ કરી રહી છે, પરંતુ જે લોકો દારૂનું ઉત્પાદન કરે છે અને સપ્લાય કરે છે તે તેમની પહોંચની બહાર છે. જેના પર સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તે ગેરકાયદેસર દારૂના ધંધાને ખતમ કરવા માટે કડક પગલાં નથી લઈ રહી.