વિજયસિંહ સોલંકી,ગોધરા
પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગુજરાત ગૌરવ દિને કાલોલ તાલુકાના વેજલપુર ગામે તળાવને શ્રમદાન કરી ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીશ્રી પરમાર જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં જળસંચય અભિયાન દરમિયાન રૂ. ૧૭.૪૭ કરોડના ખર્ચે વિવિધ ૧૬૮૫ જેટલા જળસંચય-જળસંગ્રહના કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચાયત રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે, જળ એ ઇશ્વરે માનવજીવનને આપેલી અમૂલ્ય ભેટ છે, ત્યારે પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ. રાજ્ય સરકારે જળસંગ્રહ અને જળસંચય માટે જનશક્તિના સહયોગથી ઉપાડેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાન પાણીદાર ગુજરાતના નિર્માણ માટેનું ગૌરવપ્રદ અભિયાન બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી પરમારે પંચમહાલ જિલ્લામાં એક માસ ચાલનાર સુજલામ સુફલામ જળસંચયના મહાયજ્ઞમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ ગોધરા તાલુકાના વાવડીખુર્દ ગામે, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણે મોરવા તાલુકાના નાગલોદ ગામે શ્રમદાન કરી તળાવ ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇએ રાજ્ય સરકારના જળસંચય અભિયાનમાં નાગરિકોને સહકાર આપવાનો અનુરોધ કર્યો હતો.
કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં તળાવો, ચેકડેમો ઊંડા થવાથી જળસ્ત્રોતોમાં વધારો થશે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારના વિવિધ વિભાગો દ્વારા લોકભાગીદારીથી જિલ્લાના તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અવસરે તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
–