વિજયસિંહ સોલંકી, ગોધરા
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો આશય શાળા છોડી ગયેલા ઉમેદવારો / ITI, ડીપ્લોમા/ડીગ્રી પાસ ઉમેદવારોના ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક /સેવાકીય એકમો ખાતે બેઝિક તેમજ ઓન જોબ ટ્રેનીંગ સુવિધાનો મહત્તમ લાભ આપીને તેમને કૌશલ્ય કુશળ બનાવવા સાથે પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ/સેવાકીય એકમો માટે કુશળ માનવબળ ઊભું કરવાનો છે.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ઔદ્યોગિક ગૃહો તેમજ સેવાક્ષેત્રમાં ભરતી કરવામાં આવશે એમ કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ તાલીમાર્થીઓની ભરતી અંગેના આયોજન અંગે યોજાયેલ બેઠકમાં કલેકટરે જણાવ્યું કે આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં એક લાખ તાલીમાર્થીઓને કુશળ તાલીમ આપવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૩૦૦૦ તાલીમાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો/સેવાકીય સંસ્થાઓમાં ઓન જોબ ટ્રેનીંગ આપી ઉદ્યોગ તેમજ સેવાકીય ક્ષેત્રોમાં જરૂરી કુશળ માનવબળ પુરૂ પાડવામાં આવશે. એપ્રેન્ટીસ ભરતી માટે જિલ્લામાં નોકરીદાતાઓના સહયોગથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં એપ્રેન્ટીસ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવી રહયું છે એવી જાણકારી આપતા કલેકટરે જણાવ્યું કે, એપ્રેન્ટીસશીપ માટેની તાલીમ વિનામૂલ્યે આપવા સાથે નિયમોનુસાર સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. કોઇપણ ઉમેદવાર એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય તેઓએ નજીકની ITI અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાથી ઉદ્યોગ ગૃહો/સેવા ક્ષેત્રોને જરૂરી કુશળ માનવસંપદા મળવા સાથે રોજગારીની તકોનું પણ સર્જન થશે.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, રોજગાર અધિકારી સહિત અધિકારીઓ હાજર રહયા હતા.