વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૧ લી મે થી તા. ૩૧ મે-૨૦૧૮ દરમિયાન સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન દરમિયાન જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ જેટલા ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો સ્વૈચ્છિક સેવભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી ઉંડા કરવામાં આવશે. એમ કલેકટરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. જળ અભિયાન હેઠળ ગોધરા તાલુકામાં ૬૮, શહેરામાં ૫૫, ઘોઘંબામાં ૩૪, કાલોલમાં ૫૫, મોરવા(હ)માં ૨૫, જાંબુઘોડામાં ૧૬ તથા હાલોલમાં ૫૪ સહિત કુલ-૩૦૭ ગામ તળાવો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગોધરા ખાતે આજે કલેકટરશ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને પંચમહાલ જિલ્લામાં હાથ ધરાનાર જળ સંચય અભિયાનના અસરકારક આયોજન અને અમલીકરણ માટે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
પંચમહાલ જિલ્લામાં જળ અભિયાન હેઠળ ગામ તળાવોને ઉંડા કરવા તેમજ ચેક ડેમ રીસીલ્ટીંગના વિવિધ કામો સંપૂર્ણ પારદર્શિ અને અસરકારક રીતે થાય તે જોવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. જળ અભિયાન હેઠળ હાથ ધરાનાર તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરૂ આયોજન ઘડી કાઢવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં ઉંડા ન થયા હોય તેવા તળાવોને ઉંડા કરવાનું સૂચન પણ તેમણે કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૩૦૭ ગામ તળાવો, તથા ૧૫૩ ચેક્ડેમ એન.જી.ઓ. ની મદદદથી ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તળાવો અને ચેક ડેમો ઉંડા થતાં તળાવો અને ચેકડેમોમાં જળ સંગ્રહશક્તિ આગામી ચોમાસામાં વધશે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે સુજલામ… સુફલામ… જળ અભિયાન હેઠળ જિલ્લાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાના સાતેય તાલુકામાં તાલુકા નોડલ અધિકારી સહિત કલસ્ટરવાર ગામ તળાવોની યાદી તૈયાર કરવામાં આવી છે. તળાવ ઉંડા કરવા માટે જરૂરી જેસીબી તથા ટ્રેકટરની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ બેઠકમાં પાનમ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.સી.ચૌધરીએ જળ અભિયાન દરમિયાન જિલ્લામાં હાથ ધરાનાર કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહ સહિત અમલિકરણ અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.