વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની તા.૫મી મે સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં આવતીકાલ તા.૨૪/૪/૨૦૧૮ને મંગળવારના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવનાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે જણાવ્યું છે.
ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કાતડિયા ગામની પસંદગી કરવામાં આવી છે. કાતડિયા સહિત જિલ્લાની ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામ સભાઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રીશ્રી સામાજિક સુરક્ષા યોજનાઓ, પ્રધાનમંત્રી જનધન યોજના, સૌભાગ્ય યોજના, મેઘધનુષ યોજના, ઉજ્જવલા યોજના સહિત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવશે તેમ શ્રી શાહે ઉમેર્યું હતું.
ગ્રામસભાના માધ્યમથી લોકોને ગામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી, સ્વચ્છ સલામત પીવાના પાણીનો ઉપયોગ, સ્વચ્છતા, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, રસીકરણ, પોષણક્ષમ આહાર જેવા વિષયોની ચર્ચા વિચારણા સાથે આગામી પાંચ વર્ષનો ગ્રામ પંચાયતનો વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.