આજની યુવા પેઢી સખત પરિશ્રમને ક્યારેય નકારતી નથી, પરંતુ હાર્ડવર્કની સામે સ્માર્ટ વર્કની જરૂરીયાતને સમજીને તે પ્રમાણે કારકિર્દીનું આયોજન જરૂરી બને છે. પંચમહાલ જિલ્લાના યુવાઓને વ્યવસાય માર્ગદર્શન મળી રહે અને જિલ્લા રોજગાર કચેરીની કામગીરીની સમીક્ષા થાય તે હેતુથી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શાળા, કોલેજોમાં ચાલતા કેરિયર કોર્નરની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. પંચમહાલ જિલ્લામાં સ્કૂલ, આઈ.ટી.આઈ અને કોલેજ મળીને કુલ 58 જગ્યાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જિલ્લાની ૫૨ શાળાઓમાં વ્યક્તિગત માર્ગદર્શન, અનુબંધમ પોર્ટલ વિશે માર્ગદર્શન, જૂથ વાર્તાલાપ, સ્વ રોજગાર શિબિર જેવા કાર્યક્રમ યોજાય છે. જિલ્લામાં વ્યવસાય માર્ગદર્શન હેઠળ જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં 5670 યુવાઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી, રોટરી ક્લબના પ્રમુખ, હાલોલ લાયન્સ ક્લબના પ્રમુખ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રતિનિધિઓ, તેલંગ હાઇસ્કૂલના આચાર્ય, શિક્ષક નિરીક્ષણ જે.કે.પરમાર અને નાયબ માહિતી નિયામક પારુલ મણીયાર ઉપસ્થિત રહ્યા હતા.