પંચમહાલ જિલ્લા પોલીસ મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ મુખ્યમથક ખાતે પરત ફરી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ 9 ઓગષ્ટથી લઈને 15 ઓગષ્ટ સુધી ચાલનાર છે, ત્યારે આજે પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વસુધા વંદન વીરોને વંદન, ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એક વિશાળ જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ મુખ્યમથક ખાતે પરત ફરી હતી. જેમાં જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી, ગોધરા વિભાગ અને હાલોલ નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જોડાયા હતાં.